Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

આ'લા-હઝરતની વિદાયને કાલે ૧૦૦ વર્ષ પૂરા

ભારતના એક માત્ર મુસ્‍લિમ ધર્મગુરૂ જેમના ઉપર ૬૭ લોકોએ પીએચડી કરી છે : ૨૧૫ વિષયોમાં પ્રભુત્‍વ ધરાવતા ઈમામ અહેમદ રઝાખાન બરૈલ્‍વીના માનમાં ૭૫મી પૂણ્‍યતિથિએ ભારત સરકારે પોસ્‍ટલ સ્‍ટેમ્‍પ પણ પ્રસિદ્ધ કરેલ

(ફાઈખ દ્વારા) રાજકોટ, તા. ૨૭ : વિશ્વભરમાં સુન્‍ની સંપ્રદાયના વડા ધર્મગુરૂ તરીકે પંકાયેલા અને માત્ર ‘આ'લા હઝરત'ના ટૂંકા નામે ઓળખાતા ઈમામ અહેમદ રઝાખાન બરૈલ્‍વી (રહે.)ની વિદાયને કાલે ૨૮મી ઓકટોબરના ૧૦૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે.
ભારતના આ એક માત્ર મુસ્‍લિમ ધર્મગુરૂ છે કે જેમના ઉપર ૬૭ લોકોએ પીએચડી કરી છે અને આજે પણ વિશ્વભરની અનેક યુનિવર્સિટીમાં તેઓની ઉપર સંશોધન અવિરત ચાલુ છે.
તેઓ ૨૧૫ જેટલા વિષયોમાં પ્રભુત્‍વ ધરાવતા હતા અને ધાર્મિક, સામાજીક, શૈક્ષણિક સહિતના વિષયો ઉપર ૧૪૦૦થી વધુ નાના મોટા પુસ્‍તકો સમાજને ભેટ આપ્‍યા છે. તે પૈકી સૌથી મોટુ પુસ્‍તક ‘ફતાવાએ રઝવીય્‍યાહ' છે અને તેના ૩૦ ભાગ છે જે એક ઈસ્‍લામિક એન્‍સાઈકલોપીડીયા છે અને ભારે વજનમાં છે.
તેઓની વફાત હિજરી કેલેન્‍ડર વર્ષ પ્રમાણે ઈસ્‍લામી પંચાગના બીજા મહિના સફરની ૨૫મી તારીખે હિજરી ૧૩૪૦માં થયેલ. હજુ ગત તા. ૩-૧૦-૨૦૨૧ના રોજ તેઓનો ૧૦૩મો ઉર્ષ મનાવવામાં આવ્‍યો છે પરંતુ તેઓના દુનિયા ત્‍યાગના દિવસે સને ૧૯૨૧ના ઓકટોબરની ૨૮મી તારીખનો દિવસ હતો જે જોતા આવતીકાલે ૨૮-૧૦-૨૦૨૧ના દિવસે તેઓની વિદાયને ૧૦૦ વર્ષ અંગ્રેજી કેલેન્‍ડર પ્રમાણે પૂરા થઈ રહ્યા છે. વફાત સમયે તેઓની વય ૬૫ વર્ષ હતી અને તેઓની દરગાહ ઉત્તર પ્રદેશના જાણીતા શહેર બરૈલીમાં આવેલ છે. જ્‍યાં વિશ્વભરમાંથી દર વર્ષે હજારો લોકો ઉર્ષમાં ઉમટે છે અને અજમેર (રાજસ્‍થાન) પછી ભારતનો આ બીજો સૌથી  મોટો ઉર્ષ ‘ઉર્ષે રઝા' ગણાય છે જે હજુ ૨૪ દિ' પહેલા જ ચાલુ  માસમાં જ ઉજવાયો છે.
તેઓના ૭૫માં ઉર્ષ પ્રસંગે ૩૧ ડીસેમ્‍બર ૧૯૯૫ના રોજ ભારત સરકાર દ્વારા તેઓની સ્‍મૃતિમાં રૂપિયા એકની કિંમતની પોસ્‍ટલ સ્‍ટેમ્‍પ પણ પ્રસિદ્ધ કરી હતી જે સિરીયલ ૧૬૫૦ નંબરની પોસ્‍ટલ સ્‍ટેમ્‍પ હતી.
ઈમામ અહમદરઝા બરેલવીના જન્‍મનું નામ ‘મુહમ્‍મદ'. તેમના દાદાએ તેમનું નામ ‘અહમદરઝા' રાખ્‍યું. તેમનું નામ ‘અલ મુખ્‍તાર'. તેમના પિતાનું નામ હઝરત મુફતી નકીઅલીખાન અને દાદાનું નામ રઝાઅલી છે. તેમનો જન્‍મ હિજરી કેલેન્‍ડર વર્ષ પ્રમાણે ૧૦-૧૦-૧ર૭ર અને ગ્રેગોરિયન વર્ષ પ્રમાણે ૧૪-૦૬-૧૮પ૬ બરૈલી શહેરમાં થયો. ફકત ૪ વર્ષની વયે કુરાન-એ-શરીફ વાંચતા આવડી ગયું. પોતે ભારતીય હોવા છતાં ૬ વર્ષની વયે આરબ સાથે અરબી ભાષામાં લાંબી વાતચીત કરી. ૮ વર્ષની વયે અરબી વ્‍યાકરણના પુસ્‍તક ‘હિદાયતુન્‍નહવ' ની સમજૂતી અરબી ભાષામાં લખી. ૧૦ વર્ષની વયે ઇસ્‍લામિક કાયદાના પુસ્‍તક ‘મુસલ્લમુસ્‍સુબૂત' ની સમજૂતી લખી. ૧૩ વર્ષ અને ૧૦ માસની ઉંમરમાં તેઓ મોટા આલિમ અને મહાન મુફતી બની ગયા. હિજરી કેલેન્‍ડર વર્ષ ૧૩૩૦ અને સને ૧૯૧૧ માં કુરાન-એ-શરીફનો અનુવાદ ઉર્દૂ ભાષામાં કરી, તેનું નામ ‘કંઝૂલ ઇમાન' (ઇમાનનો ખજાનો) રાખ્‍યું. ફકત એક માસના ટૂંકા સમયગાળામાં કુરાન-એ-શરીફ કંઠસ્‍થ કરી લીધું.
તેઓ ફકત આલિમ જ નહોતાં. ઇસ્‍લામના જ્ઞાન સાથે અનેક જ્ઞાનોના જાણકાર હતા, જેને ધાર્મિકતા સાથે સંબંધ નથી.
આલા હઝરત આલિમ, ફાઝિલ (મોટા આલિમ), હાફિઝ (કુરાન-એ-શરીફ કંઠસ્‍થ કરેલ), કારી (કુરાન-એ-શરીફને વાંચવાના નિયમો જાણનાર), મુફતી, સંશોધક, મુહદિ્‌્‌સ (પવિત્ર હદીસ ગ્રંથના જાણકાર), મુફસ્‍સિર (કુરાન-એ-શરીફની સાચી સમજૂતી કરનાર), ઇતિહાસકાર, ઇસ્‍લામિક કાયદાવિદ્‌ અને મુજદિ્‌્‌દ (ઇસ્‍લામના નિયમોને તાજા કરનાર) હોવાની સાથે વૈજ્ઞાનિક અને અર્થશાષાી હતાં. ઉપરાંત, પંચાંગવિદ્યા, ખનીજવિદ્યા, સમાજશાસ્ત્રી, તર્કશાષા, પ્રાણીશાષા, નીતિશાષા, ખગોળવિદ્યા, નક્ષત્રવિદ્યા, જયોતિષશાષા, ગણિતશાષા, ભૂમિતિશાષા, ધ્‍વનિશાષા, તત્‍વજ્ઞાન, પદાર્થવિજ્ઞાન, આંતરરાષ્‍ટ્રીય રાજનીતિ સહિતના વિષયોમાં નિષ્‍ણાંત હતાં.
વિશ્વમાં ઘણાં મુસ્‍લિમ અને બિન મુસ્‍લિમોએ આલા હઝરતના જ્ઞાન, પુસ્‍તકો અને કવિતાઓ પર પીએચ.ડી.ની પદવી મેળવી છે. જેટલાં પુસ્‍તકો આલા હઝરતના જીવન, અમેના જ્ઞાન અને વિષયોમાં પારંગતતા વિશે લખાયાં છે અને લખાઇ રહ્યાં છે, એટલાં કોઇ આલિમ વિશે લખાયાં નથી.
આવતીકાલે તેઓની સ્‍મૃતિમાં તેઓના પ્રસંશકો દ્વારા કેટલાક સ્‍થળે ફાતેહા ખ્‍વાની પણ યોજવામાં આવી છે.

 

(10:42 am IST)