Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

એપ્રિલથી સપ્ટેમ્બરમાં ઇ-ફાઇલિંગમાં 65 ટકાનો જબરો વધારો

નવી દિલ્હીઃ ઇન્કમ ટેક્સ રિટર્નની ફાઇલિંગની સમયમર્યાદા 31મી ઓગસ્ટે પૂરી થઈ હોવા છતાં પણ કરદાતાઓ દ્વારા -રિટર્ન્સમાં વૃદ્ધિ જોવા મળી છે. એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળામાં વર્ષ અગાઉના સમયગાળાની તુલનાએ 65 ટકા વૃદ્ધિ જોવા મળી હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)ના આંકડા દર્શાવે છે.

 

એપ્રિલથી ઓગસ્ટના સમયગાળામાં વૃદ્ધિ 70 ટકા હતી. અર્ધવાર્ષિક સમયગાળાના અંતે વ્યક્તિગત કરદાતાઓ દ્વારા ચૂકવાયેલો સરેરાશ વેરો 35,000 રૂપિયા હતો અને તે એપ્રિલથી ઓગસ્ટના 27,000 કરતાં થોડો વધારે હતો. ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે સરેરાશ વેરામાં વધારાનું કારણ એડવાન્સ ટેક્સનો બીજો તબક્કો છે. 45 ટકા જેટલા કરદાતાઓએ સપ્ટેમ્બર 15 સુધીમાં એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હતો, જે પ્રમાણ અત્યાર સુધીમાં ઘણું વધારે છે.

સપ્ટેમ્બર દરમિયાન વ્યક્તિગત આવકવેરા પેટે 49,354 કરોડ રૂપિયા મળ્યા હતા, જે એપ્રિલ પછીનું સૌથી મોટું માસિક કલેકશન છે. ટેક્સ પેયરો દ્વારા રિટર્ન ફાઇલમાં વધારો થવા છતાં પણ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સરેરાશ ટિકિટ કદમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2016-17 અને 2017-18માં એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન -ફાઇલર્સનો વૃદ્ધિદર 19 અને 18 ટકા હતો અને તેમના દ્વારા ચૂકવાતો સરેરાશ વેરો 50,000થી ઘટીને 48,800 રૂપિયા થયો હતો.

પરોક્ષ વેરો અપેક્ષા કરતાં ઓછો આવી રહ્યો છે ત્યારે સરકારના આશા છે કે સીધા વેરાના અપેક્ષા કરતાં વધારે સારા આંકડાથી તેની રાજકોષીય ખાધ પરનું દબાણ ઘટશે જે વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપીના 3.3 ટકા છે.

આવકમાં અપેક્ષા કરતાં ઓછી વૃદ્ધિ અને ખાસ કરીને વેરા અને વિનિવેશમાં આવું વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યુ છે. તેના લીધે અર્ધવાર્ષિક સમયગાળામાં કેન્દ્રની ખાધ 5.95 લાખ કરોડને આંબી ગઈ છે અથવા તો પૂરા વર્ષના લક્ષ્યાંકના 95.3 ટકા થઈ ગઈ છે, એમ કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સે જારી કરેલા આંકડામાં જણાવ્યું હતું.

(9:06 pm IST)