Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

શું ચીનના ઈશારે શ્રીલંકામાં રાજકીય તોફાન સર્જાયુ?

ચીન સમર્થિત રાજપકસેને નવા વડાપ્રધાન બનાવાતા શ્રીલંકામાં બંધારણીય કટોકટી સર્જાશે?

નવી દિલ્હી : પડોશી દેશ શ્રીલંકામાં રાજકીય ભૂકંપો સર્જાયા તેમાં શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલા સિરીસેનાએ શ્રીલંકાના વડાપ્રધાન રાનીલ વિક્રમસિંઘેને સસ્પેન્ડ કરી પૂર્વ પ્રમુખ મહિન્દ્રા રાજપકસૈને વડાપ્રધાનપદના શપથ લેવડાવ્યા. આ પૂર્વે સીરીસેનાના પક્ષે સત્તારૂઢ જુદા જુદા પક્ષોના ગઠબંધનને આપેલ સમર્થન પાછંુ ખેચી લીધું હતું.

આ રાજકીય ધમાચકડીની પૂર્વે એક સપ્તાહ પહેલા જ પ્રમુખ મૈત્રીપાલા સીરીસેના ભારતના પ્રવાસે આવેલ. તે પછી થયેલ ભારે ધમાચકડીને તેમના ભારતના આ પ્રવાસ સાથે સાંકળવામાં આવે છે.

જો કે જે નવા વડાપ્રધાન બન્યા તે મહિન્દ્રા રાપકસેને ચીન સમર્થિત નેતા માનવામાં આવે છે.

આ રાજપકસે હંમેશ કહેતા આવ્યા છે કે અગાઉ તેમને સત્તા પરથી હટાવી રાનીલ વિક્રમસિંઘેને વડાપ્રધાન બનાવવા પાછળ ભારતીય જાસૂસી સંસ્થા 'રો'નો હાથ છે.

કેટલાક રાજકીય નિરીક્ષકો કહે છે કે શ્રીલંકાના પ્રમુખ - રાષ્ટ્રપતિ સીરીસેના અને નવા બનેલ વડાપ્રધાન રાજપકસે વચ્ચે જે મનમેળ સર્જાયો તેની પાછળ ચીનનો દોરી સંચાર છે.

આ વિશ્લેષકો - નીરીક્ષકો હવે એવુ માને છે કે ચીન સમર્થિત રાજપકસેને પ્રમુખ સીરીસેનાને વડાપ્રધાન બનાવતા શ્રીલંકામાં બંધારણીય કટોકટી સર્જાઈ શકે છે. શ્રીલંકાના બંધારણમાં જે ૧૯મો સુધારો થયો તે મુજબ પૂર્ણ બહુમતી વિના પદભ્રષ્ટ કરાયેલ વડાપ્રધાન રાનીલ વિક્રમસિંઘેને વડાપ્રધાનપદેથી હટાવવાની મંજૂરી મળતી નથી.

નવા બનેલા વડાપ્રધાન શ્રી રાજપકસે અને પ્રમુખ સીરીસેના પાસે ૯૫ બેઠક છે અને બહુમતીથી દૂર છે.

જયારે પદભ્રષ્ટ કરાયેલ વડાપ્રધાન રાનીલ વિક્રમસિંઘેના પક્ષ પાસે પોતાની જ ૧૦૬ બેઠક છે અને બહુમતીથી માત્ર ૭ ઓછી છે.

સીરીસેના રાષ્ટ્રપતિ બન્યા પછી શ્રીલંકા અને ચીનના સંબંધો રાજપકસેના સમયમાં હતા તેવા નથી રહ્યા. ચીન દ્વારા વિકાસ પામનાર હંબનટોટા બંદરના કરારમાં રાજપકસેના નેતૃત્વમાં બદલાવ લાવી ઝાટકો અપાયેલ. હંબનટોટા બંદર ચીનને વેચી મારવાના ગંભીર આક્ષેપો સરકાર ઉપર થયા હતા અને દેશભરમાં દેખાવો થયેલ.

ભારતને ઘેરવા ચીને શ્રીલંકાના દક્ષિણે આવેલ હંબન ટોટા બંદરનો વિકાસ કરવા અને ત્યાં ચીની રોકાણો કરવા કરારો કર્યા હતા. મુખ્ય મોટો મુદ્દો આ બંદરનો ચીનને લશ્કરી ઉપયોગ કરવા દેવાનો હતો.

શ્રીલંકાના આ હંબનટોટા બંદર શ્રીલંકાની સરકારે ચીનની સરકારી કંપની ચાઈના મર્ચન્ટ્સપોર્ટ હોલ્ડીંગને ૮૦% ભાગીદારીમાં આપવાની વાત કરી હતી. આ બંદરના વિકાસ માટે ચીની કંપની ૧.૫ અબજ ડોલર (૧૨ હજાર કરોડ રૂ.)નું રોકાણ કરવાની હતી.

આ પૂર્વે ચીને માલદીવ ખાતે પણ ભારત માટે મુશ્કેલી સર્જી શકે છે. રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનના નેતૃત્વની સમર્થિત માલદીવ સરકારે ભારત અને લોકશાહી સમર્થિત નેતાઓને જેલમાં મોકલી આપેલ. ભાજપે ત્યારે રાષ્ટ્રપતિ યામીનની ટીકા કરેલ અને ચીને યામીનનું સમર્થન કરેલ. ચીનના ઈશારે રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને ભારતીય લશ્કરને તેના હેલીકોપ્ટરો પાછા બોલાવી લેવા કહ્યુ હતું તે સમયે માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે તો ભારત પાસે સૈન્ય મોકલવા માગણી કરી હતી. પરંતુ ગયા મહિને થયેલ ચૂંટણીઓમાં માલદિવમાં ભારત સમર્થિત મોહમ્મદ સાલીહ જીતી ગયા હતા તો પણ ચીન સમર્થિત અબ્દુલ્લા યામીન સમા છોડતા ન હતા. હવે સુપ્રિમ કોર્ટના હુકમથી ભારત સમર્થિત મોહમ્મદ સાલીહ ૧૧ નવેમ્બરે માલદીવના રાષ્ટ્રપતિપદની શપથ લેશે તે સાથે એશીયાના આ સૌથી નાના સામુદ્રી રાષ્ટ્ર ઉપર ફરીથી ભારતનો પ્રભાવ સ્થપાશે.(૩૭.૯)

 

(3:37 pm IST)