Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

પાકિસ્તાન આતંકીઓ માટે સ્વર્ગ, સિરીયાથી ત્રણ ગણું ખતરનાકઃ વિશ્વને લશ્કર-એ-તોઈબાથી સૌથી વધુ ખતરોઃ રિપોર્ટ

ભારતના આક્ષેપોને સમર્થન આપવામાં આવ્યું

લંડન, તા.૨૭: પાકિસ્તાન આતંકવાદને પાલવી રહ્યું છે અને આગામી વર્ષોમાં સમગ્ર વિશ્વ માટે ખતરારૂપ બનશે. ભારતના પાકિસ્તાન વિરૂદ્ઘ આરોપોને સાચા પૂરવાર કરતો આંતરરાષ્ટ્રીય રિપોર્ટ આવ્યો છે. ઓકસફોર્ડ યુનિવર્સિટી અને સ્ટ્રેટેજિક ફોરસાઇડ ગ્રુપ દ્વારા 'હ્યુમનિટી એટ રિસ્ક-ગ્લોબલ ટેરર થ્રેટ ઇન્ડિકેટ'નામનો એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ભારતના આક્ષેપોને સમર્થન આપવામાં આવ્યું છે.

 આ રિપોર્ટ મુજબ પાકિસ્તાન હાલમાં પણ આતંકવાદીઓને રક્ષણ પૂરુ પાડી રહ્યું છે અને પાકિસ્તાનની નીતિઓ હેઠળ આતંકવાદ સોળ કળાએ ખીલી રહ્યો છે. જયાં એક તરફ આંતરરાષ્ટ્રીય સમુદાયને અફઘાન તાલિબાન અને લશ્કર-એ-તૈયબાથી સૌથી વધારે ખતરો છે, ત્યાં બીજી તરફ પાકિસ્તાન આ દેશોના લિસ્ટમાં ટોચનું સ્થાન ધરાવે છે. રિપોર્ટ સ્પષ્ટપણે જણાવે છે કે પાકિસ્તાન સિરીયાથી ત્રણ ગણું વધારે ખતરનાક છે. વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં સૌથી વધારે આતંકીઓ આશ્રય લઇ રહ્યા છે જે એમના માટે સ્વર્ગથી ઓછું નથી.  આ રિપોર્ટમાં વિશ્વને સંદેશો આપવામાં આવ્યો છે કે વિશ્વસ્તરે ખતરનાક આતંકી સંગઠનો પર નજર નાંખીએ તો તેમાં સૌથી વધારે સંગઠનોને પાકિસ્તાનનું રક્ષણ પ્રાપ્ય છે અથવા કોઇને કોઇ રીતે પાકિસ્તાન તેમને મદદ કરી રહ્યું છે. બીજી બાજુ અફદ્યાનિસ્તાનના બધા જ આતંકી સંગઠનોને પાકિસ્તાનની મદદથી ચલાવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં એ બાબતનો પણ ઉલ્લેખ કરાયો છે કે ચરમપંથીઓમાં વધારો અને હથિયારોનો વધુ પડતો ઉપયોગ માનવ વિકાસ પર વિપરીત અસર પાડી શકે છે. આ બધી બાબતો એકબીજા સાથે જોડાયેલી છે. ૮૦ પાનાના આ રિપોર્ટમાં આગામી ૧૦ વર્ષમાં સુરક્ષા-સલામતી સામે આવતા પડકારોની ચર્ચા કરવામાં આવી છે અને આતંકવાદને ખતમ કરવા માટેના પ્રયોજનો દર્શાવવામાં આવ્યા છે.

 'હ્યુમનિટી એટ રિસ્ક-ગ્લોબલ ટેરર થ્રેટ ઇન્ડિકેટ'નામની આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિતેલા પાંચ વર્ષમાં આતંકી સંગઠન ISIS એ મીડિયામાં સૌથી વધારે સ્થાન મેળવ્યું છે, આ સંગઠન જેટલું જલ્દી ઉભરી આવ્યું હતું તેટલું જ જલ્દી નીચે પણ આવ્યું, પરંતુ આજના સમયમાં પણ  ISIS સમગ્ર વિશ્વ માટે મોટો ખતરો છે.

 રિપોર્ટ મુજબ અલ કાયદા સૌથી ખરતનાક સંગઠન છે. ૨૦૧૧ સુધી ઓસામા બિન લાદેન તેનુ નેતૃત્વ કરી રહ્યો હતો પરંતુ હવે તેનો પુત્ર હમ્જા બિન ઓસામા બિન લાદેન આ સંગઠન ચલાવી રહ્યો છે. નોંધનીય બાબત છે કે અલ કાયદાનો જન્મ પાકિસ્તાનમાં થયો અને પાકિસ્તાનના પ્રભાવ હેઠણ રહેલા અફઘાનિસ્તાનમાં ફેલાઇ ગયું, જયાં તેણે પોતાની મજબૂત પકડ બનાવી. અલ કાયદાના પૂર્વ પ્રમુખ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં આશ્રય મળ્યો હતો અને એબટાબાદમાં પાકિસ્તાની મિલેટરી બેસ પાસે રહેતો હતો.(૨૩.૧૬) 

(3:33 pm IST)