Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

UPમાં ફટાકડાની ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટઃ આઠનાં મોતઃ ત્રણ લોકો ગંભીર

બદાયૂં (યુપી), તા.૨૭: ઉત્તર પ્રદેશમાં બદાયૂં જિલ્લાના સિવિલ લાઇન્સ સેકટરમાં ફટાકડાની એક ફેકટરીમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ થતાં આઠ લોકોના મોત થયા છે અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લઇને જિલ્લા કલેકટરને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા તેમજ ઇજાગ્રસ્તોને તાકીદે તબીબી સહાય ઉપલબ્ધ કરાવવા આદેશ કર્યો હતો.  વરિષ્ઠ પોલીસ અધીક્ષક અશોકકુમારે જણાવ્યું હતું કે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન હેઠળના રસુલપુર ગામમાં સંજય નામની વ્યકિતની ફટાકડા બનાવતી એક લાઇસન્સવાળી ફેકટરીમાં ૪-૦૦ વાગ્યાની આસપાસ ભયાનક વિસ્ફોટ સાથે આગ લાગી હતી.

 

તેમણે જણાવ્યું હતું કે પ્રચંડ વિસ્ફોટના કારણે ફટાકડાની ફેકટરીની બાજુમાં આવેલ સાઇકલ રિપેરિંગની દુકાનમાં બેઠેલા લોકો તેમજ ફેકટરીમાં કામ કરતા કામદારો અને ત્યાંથી પસાર થતા રાહદારીઓ તેની ચપેટમાં આવી ગયા હતા. તેના કારણે સાતના સ્થળ પર જ મોત થયા હતા જયારે એક વ્યકિતનું પાછળથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

અકસ્માતમાં ઘાયલ થયેલ ત્રણ લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જયાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. એસએસપી કુમારે જણાવ્યું કે આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસ લગભગ ૩૦-૩૦ મીટરની જગ્યામાં આવેલી ઇમારતોની ઇંટો ઊડી ગઇ હતી અને દૂર દૂર બેઠેલા લોકો પર પડી હતી, જેના કારણે બે રાહદારીઓના મોત થયા હતા.(૨૩.૧૬)

 

(3:33 pm IST)