Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

મોદીનાં વળતા પાણી? તામિલનાડુ, કેરલ, આંધ્રપ્રદેશમાં મોદી નહી, રાહુલ PM માટે ફેવરિટ

ત્રણેય રાજયમાં લોકો મોદીને નહીં પણ રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે ઇચ્છે છે

નવી દિલ્હી, તા.૨૭: શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનાં વળતા પાણી થઇ રહ્યાં છે? ઇન્ડિયા ટૂડેનાં પોલિટિકલ સ્ટોક એકસચેન્જ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં એવું બહાર આવ્યું કે, દક્ષિણ ભારતનાં ત્રણ રાજયોમાં, નરેન્દ્ર મોદી કરતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની લોકપ્રિયતા વધારે છે. આ સર્વેમાં એવું તારણ આવ્યું કે, આ રાજયોનાં લોકો નરેન્દ્ર મોદીને નહીં પણ રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છે છે. કોંગ્રેસ માટે આ સારા સમાચાર કહી શકાય અને વડાપ્રધાન મોદી માટે આ ખરાબ સમાચાર કહી શકાય.

ઇન્ડિયા ટૂડે દ્વારા તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં આ અંગે સર્વે કરવામાં આવ્યો હતો.  આ સર્વેમાં રાજકીય પ્રશ્નો સિવાય સબરીમાલા મંદિરમાં મહિલાનાં પ્રવેશ મામલે સુપ્રિમ કોર્ટના ચુકાદા, કેરળમાં મુખ્યમંત્રીની લોકપ્રિયતા સહિતનાં અનેક પ્રશ્નો પુછવામાં આવ્યા હતા.

આગામી લોકસભા ચૂંટણીમાં કોને વડાપ્રધાન તરીકે ઇચ્છો છો ? રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદીને ? આ સવાલમાં જવાબમાં ૩૮ ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું કે, તેઓ રાહુલ ગાંધીને હવે પછીનાં વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છે જયારે ૩૧ ટકા ઉત્ત્।રદાતાઓએ જણાવ્યું કે, તેઓ મોદીને વડાપ્રધાન તરીકે પસંદ કરે છે.

આ સર્વેમાં એવું પણ તારણ આવ્યું કે, કેરળ રાજયનાં મુખ્યમંત્રી પીનરાઇ વિજયન અને તામિલનાડુનાં ડી.એમ.કેનાં પ્રમુખ એમ.કે સ્ટાલિન સૌથી વધારે લોકપ્રિય નેતાઓ છે.

રાજકીય વિશ્વેષક યોગેન્દ્ર યાદવે જણાવ્યું કે, કેરળમાં ભારતીય જનતા પાર્ટી ધાર્મિક મુદ્દાને આગળ ધરી રાજયમાં પગપેસારો કરશે અને સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશનાં મુદ્દાને મહત્વનો બનાવી સામ્યવાદી સરકારને દ્યેરશે. મંદિરનો મુદ્દો લોકોની ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલો મુદ્દો છે. આ મુદ્દે સામ્યવાદી સરકારની સ્થિતિ કફોડી છે.

જો કે, સાચી હકિકત શું છે એ તો જયારે ચૂંટણી આવે અને મતદાન થાય ત્યારે જ ખ્યાલ આવે કે, ખરેખર કઇ વ્યકિતને લોકો વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છે છે.(૨૩.૧૮)

(3:31 pm IST)