Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ઇ-રીક્ષાનું ઝડપભેર વધી રહ્યું છે માર્કેટઃ ઇલેકટ્રીક વાહનોમાં ભારત ચીનથી આગળ

નવી દિલ્હી તા. ર૭: ભારતમાં ઇ રીક્ષાનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે અને ર૦ર૧ સુધીમાં ૯ ટકાના વાર્ષિક વધારા સાથે વધશે તેવી આશા સેવાઇ રહી છે. ભારતમાં ઇલેકટ્રીક વાહનો બાબતની ક્રાંતિ થઇ રહી છે, પછી ભલે તે ઇલેકટ્રીક કારની ન હોય

ભારતમાં અત્યારે બેટરીથી ચાલતી ત્રણ વ્હીલની રીક્ષાઓ લગભગ ૧.પ મીલીયને પહોંચી છે જે ચીનમાં વેચાતી ઇ-કારની સંખ્યાથી ઘણી વધરે છે. ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા દુનિયાભરમાં સબસીડીઓ અપાય છે પણ ભારતમાં સરકાર તરફથી ભાગ્યે જ કંઇ મદદ આપવામાં આવે છે.

ઇ-રીક્ષાના ડ્રાઇવરોના મતે, પરંપરાગત રીક્ષા કરતા ઇ-રીક્ષા શાંત, ઝડપી, ચોખ્ખી અને મેઇન્ટેનન્સમાં સસ્તી છે તેઓ એવું પણ કહે છે કે પેડલ રીક્ષામાં આખો દિવસ પેડલ મારીને થાકવા કરતા આ રીક્ષા સારી પડે છે. ઉપરાંત પેડલ રીક્ષા કરતાં ઝડપી હોવાથી દિવસ દરમ્યાન ફેરાની સંખ્યા વધે છે જેથી વધારે આવક મેળવી શકાય છે.

એ. ટલી. કીર્ની નામની એક કન્સલ્ટીંગ ફર્મના અધિકારી રાહુલ મિશ્રાના મતે દર મહિને લગભગ ૧૧૦૦૦ ઇ-રીક્ષાઓ ભારતીય રસ્તાઓ પર આવે છે. ઇ-રીક્ષાનું ૧.પ બીલીયનનું બજાર છે અને અત્યારે તેનું ઉત્પાદન કરતી કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહીન્દ્રા લીમીટેડ અને કાઇનેટીક એન્જીનીયરીંગ લીમીટેડ ચીનથી આયાત કરેલા નાના પાર્ટસને એસેમ્બલ કરીને કરે છે.

દિલ્હીની આસપાસ પોતાનું કામ કરતી ઉબેર જેવી જ એક ટેક્ષી એપ ચલાવતી કંપની સ્માર્ટ-ઇ ના સી.ઇ.ઓ. ગોલ્ડી શ્રીવાસ્તવે કહ્યું, ''જીવનમાં એક વાર મળતી આ તક છે.'' અત્યારે આ કંપનીની લગભગ ૮૦૦ જેટલી ઇ-રીક્ષા દિલ્હીની આજુબાજુ કાર્યરત છે.

આવતા એપ્રીલ સુધીમાં ઓલા કંપની લગભગ ૧૦૦૦ ઇ-રીક્ષાઓ મેદાનમાં ઉતારવા ઇચ્છે છે.

ભારત દુનિયામાં ચોથા નંબરનું ઓટો બજાર છે પણ ખાનગી ઇલેકટ્રીક કાર વેચવાના આ પહેલાના પ્રયત્નો એક નિષ્ફળ ગયા છે. ભારત સરકાર આ બાબતે નિષ્ક્રીય છે કારણ કે તેને દેશના જીડીપીમાં ૭ ટકા હીસ્સો ધરાવતા ઓટો ઉદ્યોગને ડીસ્ટર્બ થવાનો ભય છે. ચીનમાં અત્યારે લગભગ ૧.૩પ મીલીયન પેસેન્જર ઇ-વ્હીકલની સામે ભારતમાં ફકત ૬૦૦૦ વાહનો જ છે. ભારતમાં ફરતી કુલ ઇ-કાર તો ચીનમાં લગભગ ત્રણ દિવસમાં વેચાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે હવે ઇ-વાહનોના વિકાસ તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. પબ્લીક ટ્રાન્સપોર્ટ માટેના વાહનો પ્રોત્સાહન આપવાના પ્રયત્નો થઇ રહ્યા છે. નાણા મંત્રાલય આવતા પાંચ વર્ષમાં દેશભરમાં ચાર્જીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા માટે અને ઇ-બસમાં સબસીડી આપવા માટે ૪૦ બીલીયન રૂપીયા ફાળવવાની એક યોજનાને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે કે ઇ-વાહનોના ઉપયોગ જેમ વધશે તેમ પ્રદુષણનું પ્રમાણ ઘટશે. (૭.૪૧)

(3:28 pm IST)