Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

નારાજ વેપારીઓને રાજી કરવા તૈયારીઃ સસ્તા દરે લોનનું થશે એલાન

નાના અને મધ્યમ વેપારીઓને દિવાળી પહેલા મોદી સરકાર આપશે એક મોટી ગીફટઃ ૨જી નવેમ્બરે એલાનઃ વેપારીઓને રાહતદરે બેન્કોમાંથી લોન મળે તેવી હશે યોજનાઃ લોનના વ્યાજ પર મળતી છૂટનો દાયરો વધારાશેઃ નવુ એકમ શરૂ કરવા કે ધંધો વિકસાવવા લોન લેવાય તો સબસીડીની રકમ પણ વધારવાનો પણ પ્રસ્તાવઃ દેશમાં ૮૦ જગ્યાએ કાર્યક્રમો થકી યોજનાનું લોન્ચીંગ થશે

નવી દિલ્હી, તા. ૨૭ :. સરકાર નાના અને મધ્યમ વેપારીઓ માટે દિવાળી પહેલા એક મોટા રાહત પેકેજનું એલાન કરવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ ૨જી નવેમ્બરે સરકાર એક યોજનાની જાહેરાત કરી શકે છે. નવી યોજના હેઠળ સરકાર નાના અને મધ્યમ વેપારીઓને સસ્તા દરે લોન ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહી છે.

આ વેપારીઓને લોનના વ્યાજ પર મળતી છૂટનો દાયરો સરકાર વધુ વધારવા માગે છે. સાથોસાથ નવા યુનિટ લગાવવા કે પછી વર્તમાન યુનિટની ક્ષમતા વિસ્તારવાના હેતુથી પણ જો કોઈ વેપારી લોન લેતો હોય તો તેના ઉપર પણ સબસીડીની રકમ વધારવાનો પ્રસ્તાવ છે. એટલુ જ નહિ નવી યોજનામાં સરકાર એ પણ સુનિશ્ચિત કરશે કે અરજી બાદ વહેલામાં વહેલી તકે વેપારીને લોન મળે કે જેથી વેપાર શરૂ કરવામા તેને વધુ સમય ન લાગે.

હાલ આ મુસદ્દાને નાણા મંત્રાલયનો બેન્કીંગ વિભાગ અંતિમ સ્વરૂપ આપી રહેલ છે. આ પ્રસ્તાવ સંપૂર્ણ રીતે તૈયાર થયા બાદ તેને ચૂંટણી પંચ પાસે મંજુરી માટે મોકલવામાં આવશે. પાંચ રાજ્યોની ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ છે તેથી ચૂંટણી પંચની મંજુરી વગર કોઈ મોટો નિર્ણય લઈ શકાતો નથી. હાલમાં જ હવાઈ ઈંધણ પર ડયુટી ઘટાડતા પહેલા નાણા મંત્રાલયે ચૂંટણી પંચની મંજુરી લીધી હતી.

હકીકતે પહેલા નોટબંધી અને પછી જીએસટી એ બન્નેને કારણે નાના વેપારીઓને મોટો આંચકો લાગ્યો હતો. એવામાં સરકાર હવે વેપારીઓને રાજી કરવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી મુજબ સરકાર આ યોજનાને મોટાપાયે દેશવ્યાપી રીતે લોંચ કરશે. દેશભરમાં લગભગ ૮૦ જગ્યાએ તેના કાર્યક્રમો યોજવામાં આવશે જેમા સાંસદોથી લઈને પ્રધાનો પણ સામેલ થશે. પ્રદેશ સ્તરે નાના વેપારીઓ માટે વિવિધ ચેમ્બર્સમાં પણ આ યોજનાને લોન્ચ કરવાની યોજના છે.(૨-૭)

(11:40 am IST)