Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

રાકેશ અસ્થાનાએ ૨૫૦૦ કરોડના સૃજન કૌભાંડની તપાસને દબાવી !

રાજદએ કર્યુ ટ્વીટઃ અસ્થાના ઉપર નિતીશને પણ બચાવવાનો આરોપ મુકાયો

નવી દિલ્હી, તા. ૨૭ :. સીબીઆઈ વિવાદને કારણે લાંબી રજા પર મોકલી દેવાયેલા ટોચના બન્ને અધિકારીઓમાંથી રાકેશ અસ્થાના પર વધુ એક ગંભીર આરોપ લાગ્યો છે. રાજદના નેતા તેજસ્વી યાદવ અને હાલ જેલ ભોગવી રહેલા લાલુ યાદવે સૃજન કૌભાંડને લઈને વર્તમાન મુખ્યમંત્રી અને રજા પર મોકલી દેવાયેલા રાકેશ અસ્થાના પર નિશાન તાંકયુ છે. તેજસ્વી યાદવે એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલને ટવીટ કરતા લખ્યુ છે કે શું રાકેશ અસ્થાનાએ જીએથી એનડીએમાં સ્વીચ કરવાના બદલામાં ૨૫૦૦ કરોડના સૃજન કૌભાંડથી નિતીનકુમારને બચાવ્યા હતા ? સીબીઆઈએ હજુ સુધી આ કૌભાંડના મુખ્ય આરોપીઓની ધરપકડ નથી કરી. મુખ્યમંત્રીએ રાજ્યની તિજોરીમાંથી ૨૫૦૦ કરોડ રૂ. સૃજન એનજીઓના ખાતામાં નાખી ગોટાળો કર્યો હતો. તેજસ્વીના ટવીટના આધાર પર પ્રકાશિત એક વધુ અહેવાલની લીંક ટવીટ કરતા લાલુ યાદવના સત્તાવાર હેન્ડલથી ટ્વીટ કરાયુ છે કે, શું નરેન્દ્ર મોદીના પરમ સહયોગી રાકેશ અસ્થાનાએ જ ૨૫૦૦ કરોડના સૃજન કૌભાંડમાં નિતીશને બચાવ્યા હતા.

એ પછી રાજદના સત્તાવાર હેન્ડલથી પણ એક ટ્વીટ કરવામાં આવ્યુ છે કે, શું રાકેશ અસ્થાનાએ આ કૌભાંડમાં નિતીશને બચાવ્યા હતા. શું આ કૌભાંડથી બચવા અને લાલુ પરિવારને ફસાવવાની ડીલના બદલામાં નિતીશકુમાર રાતોરાત વંડી ઠેકી ભાજપ સાથે ચાલ્યા ગયા ? સીબીઆઈએ દોઢ વર્ષ પછી પણ આ કૌભાંડના આરોપીઓની ધરપકડ કેમ કરી નથી ? પહેલા કૌભાંડના બે આરોપીઓ પ્રીયાકુમાર અને તેના પતિ અમિતકુમાર વિરૂદ્ધ ધરપકડનું વોરંટ જારી થયુ હતુ પરંતુ તેઓને હજુ સુધી પકડવામાં આવ્યા નથી.(૨-૮)

(11:39 am IST)