Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

આજે ચૂંટણી થાય તો MP- રાજસ્થાનમાં ભાજપના સુપડા સાફ થઇ જાયઃ છત્તીસગઢમાં પણ ખતરો

એબીપી-સી વોટરનો સર્વેઃ લોકો પરિવર્તન ઇચ્છતા હોવાનો સૂરઃ મ.પ્રદેશમાં ૨૩૦ માંથી ૧૧૯ કોંગ્રેસને ભાજપને ૧૦૫: રાજસ્થાનમાં ૨૦૦ માંથી કોંગ્રેસને ૧૪૪, ભાજપને માત્ર ૫૫: છત્તીસગઢમાં ૯૦માંથી ભાજપને ૪૩, કોંગ્રેસને ૪૨ બેઠકો મળે

નવી દિલ્હી તા.૨૭: પાંચ રાજયોની ધારાસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે, નેતાઓની સાથે સાથે મતદારોના ધબકારા પણ વધી રહયા છે. મતદાતાઓના મનમાં પણ ઝડપથી ફેરફાર થઇ રહયા છે. એબીપી ન્યુઝ અને સી વોટર્સના તાજા સર્વેમાં એવો દાવો થયો છે કે જો આજે ચૂંટણી થાય તો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપના સુપડા સાફ થઇ જાય અને છત્તીસગઢમાં પણ સિંહાસન જવાની શકયતા છે.

મધ્ય પ્રદેશ

સર્વે અનુસાર મધ્ય પ્રદેશની ૨૩૦ બેઠકો માંથી સોૈથી વધારે બેઠકો ૧૧૯ બેઠકો કોંગ્રેસને મળે તેમ છે. એટલે કે જીત માટે જરૂરી ૧૧૬ બેઠકો કરતા કોંગ્રેસને ૩ બેઠકો વધારે મળે તેમ છે.

જયારે રાજયમાં ચોથીવાર સરકાર બનાવવાના સપના જોનાર ભાજપાને ૧૦૫ બેઠકોથી સંતોષ કરવો પડે, જયારે અન્યના ખાતામાં ૬ બેઠકો જઇ શકે છે. સર્વે અનુસાર મધ્ય પ્રદેશમાં આજની તારીખે ચૂંટણી થાય તો વોટ શેરના હિસાબે પણ કોંગ્રેસ આગળ છે. કોંગ્રેસને ૪૩ ટકા, ભાજપાને ૪૨ ટકા અને અન્યને ૧૫ ટકા મત મળી શકે છે.

રાજસ્થાન

અહીંયા ધારાસભાની ૨૦૦ બેઠકો માટે ચૂંટણી થવાની છે. સર્વે અનુસાર આજે ચૂંટણી થાય તો કોંગ્રેસ પાછી આવી શકે છે. કોંગ્રેસ સોૈથી વધારે ૧૪૪ બેઠકો જીતી શકે છે જયારે ભાજપના ખાતે પપ બેઠકો જ રહી શકે છે. એક સીટ પર કોઇપણ એક અપક્ષ આવી શકે. વોટ શેયર બાબતે જોઇએ તો કોંગ્રેસને ૪૯% ભાજપાને ૩૭% અને અન્યને ૧૪% મત મળી શકે છે. એવું કહેવાય છે કે રાજયમાં વસુંધરા રાજે, સરકાર વિરોધી લહેર સામે લડી રહયા છે અને આ વખતે ભાજપાના ડઝનબંધ ધારાસભ્યોને ટીકીટ નહીં મળે.

છત્તીસગઢ

અહીં ધારાસભાની ૯૦ બેઠકો પર મતદાન થવાનું છે. તાજા સર્વેમાં અહીં પણ ભાજપાને જેટલી આશા છે તેટલી મજબૂત સ્થિતિ દેખાતી નથી. અહીં પણ ભાજપા ૧૫ વર્ષોથી સરકાર ચલાવે છે. અને ચોથી વાર સરકાર રચવાની આશા રાખે છે. પણ સર્વે અનુસાર અહીં ભાજપાને ૪૩, કોંગ્રેસને ૪૨ અને અન્યના ફાળે પ બેઠકો જઇ શકે છે. સરકાર બનાવવા માટે જરૂરી ૪૬ બેઠકનો આંકડો ન તો ભાજપને, ન કોંગ્રેસને મળી શકે તેમ છે. જો આ સર્વે અનુસાર જ હકીકતમાં થશે તો અહીં દિલચશ્પ સ્થિતિ ઉભી થશે કારણ કે સરકાર બનાવવા માટે અપક્ષ ઉમેદવારોની મદદની જરૂર પડશે. સર્વે અનુસાર અહીં ભાજપાનો વોટશેર ૪૦.૧%, કોંગ્રેસનો ૪૦% અને અન્ય ૧૯.૯ % થઇ શકે તેમ છે.(૧.૩)

(10:13 am IST)