Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

'' ચલી ચલી રે પંગ મેરી ચલી રે'' : અમેરિકામાં ગુજરાત ગૌરવ ફેન કલબ USA. ના ઉપક્રમે ન્યુજર્સીમાં પતંગોત્સવ ઉજવાયોઃ સાઉથ જર્સી, ન્યુયોર્ક, લોંગ આઇલેન્ડ સહિતના વિસ્તારોમાં વસતા ગુજરાતી પરિવારોએ પતંગ ઉડાડવાની મોજ માણી

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ ભારતમાં  ઉત્તરાયણ તહેવાર પ્રસંગે પતંગ ઉડાડવાની મોજ માણતા ભારતીયો અમેરિકામાં  પણ આ આનંદ માણી શકે તે માટે તાજેતરમાં વાતાવરણને  ધ્યાને રાખી ૭ ઓકટો. ર૦૧૮ ના રોજ પતંગોત્સવ  ઉજવાયો હતો.

ગુજરાત ગૌરવ ફેન કલબ ઓફ USA  આયોજીત યુનિયન બિચ ન્યુજર્સી મુકામે યોજાયેલ આ પતંગોત્સવનો સમય સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૪ વાગ્યાનો રાખવામાં આવ્યો હતો.  જેમાં ૧૦૦ જેટલા પતંગ રસિયાઓએ આકાશમાં  રંગબેરંગી  પતંગ ઉડાડવાનો લ્હાવો લીધો હતો. જે માટે ફીરકી દેરા તથા પતંગ મંગાવાયા હતા. આ ઉત્સવને શ્રી ભરતભાઇ સુશ્રી ઇન્દુબેન પટેલ, તથા  શ્રી તરૂણભાઇ પટેલ (ટિકુભાઇ) નો સહકાર પ્રાપ્ત થયો હતો.

અમેરિકામાં સમયના અભાવે અથવા જુદા જુદા કારણોસર પતંગ ઉડાડવાની મોેજ નહી માણી શકતા ભારતીયો માટે આયોજીત આ પતંગોત્સવમાં સાઉથ જર્સી, ન્યૂયોર્ક, લોંગ આઇલેન્ડ સહિતના વિસ્તારમાં વસતા પરિવારોના બાળકો સહિત તમામ લોકો જોડાયા હતા.  તથા મૈત્રીપૂર્ણ વાતાવરણમાં પતંગ ઉડાડવાનો આનંદ માણ્યો હતો.

ઉત્સવને મળેલા પ્રતિસાદરૂપે સહુએ દર વર્ષે આવો ઉત્સવ યોજવા અનુરોધ કર્યો હતો. ઉત્સવની સફળતા માટે ગુજરાત ગૌરવ ફેન કલબ USA  ના પ્રેસિડન્ટ  શ્રી શૈલેષ પટેલએ ભારે જહેમત ઉઠાવી હતી. તેવું શ્રી શૈલેષભાઇની યાદી જણાવે છે.

(12:00 am IST)