Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સીબીઆઈના ચીફને દૂર કરવાથી મોદીને ફાયદો નહીં થાય : રાહુલ

સીબીઆઈની ઓફિસની બહાર કોંગ્રેસનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન : દિલ્હીમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ રાહુલે કર્યું : રાહુલ સહિત કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓએ ધરપકડ વ્હોરી : ચોકીદારને ચોરી કરવાની તક નહીં અપાય

નવીદિલ્હી, તા. ૨૬ : સીબીઆઈમાં આંતરિક લડાઈને લઇને વિવાદ હવે વધુ ગંભીર બની ગયો છે. રાજકીય જંગ પણ જોવા મળી રહ્યો છે. સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્માને રજા ઉપર મોકલી દેવા અને તેમની પાસેથી અધિકારો લઇ લેવાની કેન્દ્ર સરકારની હિલચાલ સામેના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી અને અન્ય રાજકીય પક્ષોએ આજે દેશભરમાં દેખાવો કર્યા હતા. કોંગ્રેસે આ વિવાદને રાફેલ ડિલ સાથે જોડીને દેશભરમાં સીબીઆઈ ઓફિસ ઉપર હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો હતો. દિલ્હીમાં રાહુલ ગાંધીએ પોતે મોરચા સંભાળ્યા હતા. રાહુલ કોંગ્રેસી નેતાઓની સાથે માર્ચ કરતા સીબીઆઈ હેડક્વાર્ટર સુધી પહોંચ્યા હતા અને દેખાવો કર્યા હતા. પોલીસે રાહુલ અને બીજા વિપક્ષી નેતાઓને કસ્ટડીમાં લીધા હતા પરંતુ લોધી રોડ પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા બાદ તેમને છોડી મુકવામાં આવ્યા હતા. આ ગાળા દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. રાફેલ ડિલમાં અંબાણીને લાભ પહોંચાડવાનો આક્ષેપ કર્યો હતો. લોધી કોલોની પોલીસ સ્ટેશનની બહાર આવ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પીએમ ભાગી શકે છે, સંતાઈ શકે છે પરંતુ છેલ્લે વાસ્તવિકતા સપાટી ઉપર આવી જશે. સીબીઆઈ વડાને દૂર કરવાથી કોઇ ફાયદા થશે નહીં. વડાપ્રધાને સીબીઆઈ વડાની સામે પગલા લીધા છે પરંતુ ઉતાવળમાં કાર્યવાહી કરવામાં આવી છે. રાહુલે એમ પણ કહ્યું હતં કે, ચોકીદારને કોંગ્રેસ પાર્ટી ચોરી કરવા દેશે નહીં. રાહુલે કહ્યું હતં કે, રાફેલ સોદાની તપાસથી બચવા માટે રાતોરાત સીબીઆઈ ડિરેક્ટરને બદલી દેવામાં આવ્યા છે.

રાહુલે એમપણ કહ્યું હતં કે, દેશની દરેક સંસ્થા ઉપર મોદી પ્રહાર કરી રહ્યા છે. મોદીએ અંબાણીના ખિસામાં પૈસા નાંખ્યા છે. આલોક વર્માની ફેર નિમણૂંકની માંગ કરતા મોદીએ આ મુદ્દા પર માંગવી જોઇએ તેવી વાત કરી હતી. દિલ્હીમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં સીબીઆઈ હેડક્વાર્ટર ઉપર દેખાવો કરવામાં આવ્યા હતા. ઉપરાંત ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા સહિત જુદી જુદી જગ્યા પર સીબીઆઈ ઓફિસ ઉપર દેખાવો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના પ્રદર્શનને અન્ય પાર્ટીઓએ પણ સાથ આપ્યો હતો. ટીએમસી અને સીપીઆઈના નેતા પણ જોડાયા હતા. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીના લોકોએ દયાલસિંહ કોલેજથી માર્ચની શરૂઆત કરી હતી. સીબીઆઈની ઓફિસ તરફ દોરી જતા રસ્તાને પોલીસે બંધ કરી દીધો હતો. રાહુલની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહેલોત, આનંદ શર્મા, અહેમદ પટેલ, ભુપેન્દ્ર હુડા, ટીએમસી સાંસદ, શરદ યાદવ, સીપીઆઈના નેતા ડી રાજા પણ હતા. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના પ્રદર્શનનું નેતૃત્વ રાજ બબ્બરે કર્યું હતું. કોંગ્રેસે મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત દેશના અન્ય ભાગોમાં પણ સીબીઆઈ ઓફિસ ઉપર દેખાવો કર્યા હતા.

(12:00 am IST)