Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

સોનિયા ગાંધીએ મનમોહનસિંહની જગ્‍યાએ શરદ પવારને વડાપ્રધાન તરીકે ચૂંટવા જોઇતા હતાઃ કેન્‍દ્રીય મંત્રી રામદાસ આઠવલેનો મત

સોનીયા ગાંધીની તુલના અમેરિકાના વાઇસ પ્રેસિડેન્‍ટ કમલા હેરિસ સાથે કરી

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યુ કે 2004માં કોંગ્રેસના નેતૃત્વ ધરાવતી યુપીએના સત્તામાં આવવા પર સોનિયા ગાંધીએ વડાપ્રધાન બનવુ જોઇતુ હતુ, તેમણે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ સાથે તુલના કરી હતી. રામદાસ અઠવાલેએ કહ્યુ કે સોનિયા ગાંધીએ મનમોહન સિંહની જગ્યાએ શરદ પવારને વડાપ્રધાનના રૂપમાં ચૂંટવા જોઇતા હતા.

રામદાસ અઠવાલેએ કહ્યુ, જ્યારે યુપીએ સત્તામાં આવી તો સોનિયા ગાંધીએ પીએમ બનવુ જોઇતુ હતું. જો કમલા હેરિસ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ બની શકે છે તો સોનિયા ગાંધી વડાપ્રધાન કેમ નથી બની શકતા? તે એક ભારતીય નાગરિક છે, પૂર્વ પીએમ રાજીવ ગાંધીના પત્ની છે અને લોકસભા સાંસદ છે.

ભાજપના સહયોગીએ કહ્યુ કે સોનિયા ગાંધીના વિદેશી મૂળ વિશે કોઇ પણ વાત નિરર્થક છે. અઠવાલેએ ઇન્દોરમાં પત્રકારોને કહ્યુ, જ્યારે 2004માં ચૂંટણીમાં યુપીએને બહુમત મળ્યો તો મે પ્રસ્તાવ આપ્યો હતો કે સોનિયા ગાંધીએ વડાપ્રધાન બનવુ જોઇએ. મારો વિચાર હતો કે તેમના વિદેશી મૂળના મુદ્દાનો કોઇ અર્થ નહતો.

પોતાની ટિપ્પણીઓ માટે જાણીતા અઠવાલેએ એમ પણ કહ્યુ કે જો સોનિયા ગાંધી તે સમયે ટોચનું પદ લેવા નહતા માંગતા તો તેમણે શરદ પવારને ચૂંટવા જોઇતા હતા. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ, પવારને મનમોહન સિંહની જગ્યાએ વડાપ્રધાન બનાવવા જોઇતા હતા પરંતુ સોનિયા ગાંધીએ એવુ ના કર્યુ. અઠાવલે અનુસાર, જો પવાર 2004માં વડાપ્રધાન હોત તો કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં હોત.

2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વ ધરાવતી ભાજપના સત્તામાં આવ્યા પહેલા મનમોહન સિંહ 10 વર્ષ સુધી વડાપ્રધાન હતા. કોંગ્રેસે શરદ પવારને પાર્ટીમાંથી બહાર કરી દીધા હતા, તેમણે સોનિયા ગાંધીના નેતૃત્વ વિરૂદ્ધ તેમના વિદેશી મૂળને લઇને વિદ્રોહ કર્યો હતો. 1999માં તેમણે કોંગ્રેસ સાથે સબંધ તોડી નાખ્યો હતો અને પોતાની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) બનાવી હતી. એનસીપી અને કોંગ્રેસે સહયોગીના રૂપમાં કેટલીક ચૂંટણી એક સાથે લડી છે અને વર્તમાનમાં શિવસેના સાથે મહારાષ્ટ્રમાં સત્તા ચલાવી રહી છે. અઠાવલે પણ મહારાષ્ટ્રના જ છે.

(5:07 pm IST)