Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

પાકિસ્તાની ત્રાસવાદીઓ હુમલાને અંજામ આપી શકે : રાજનાથ સિંહ

હુમલા કરનાર પાકિસ્તાની ત્રાસવાદીઓને છોડાશે નહીં : અમારી સેના દરિયાઈ સલામતીને લઇ સંપૂર્ણપણે સાવધાન : કચ્છથી કેરળ સુધીના દરિયાકાંઠા ઉપર મજબૂત સલામતી : પાકિસ્તાન ઉપર આકરા પ્રહારો

કોલ્લામ, તા. ૨૭ : કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે દેશના દરિયાઈ માર્ગેથી પાકિસ્તાનમાંથી તાલીમ પામેલા આતંકવાદીઓના હુમલાઓની શંકા વ્યક્ત કરી હતી. સંરક્ષણમંત્રીએ કેરળના કોલ્લામમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, પાકિસ્તાનના આતંકવાદીઓ દેશમાં મોટા હુમલાને અંજામ આપી શકે છે. આ શક્યતાને નકારી શકાય તેમ નથી. તેમણે કહ્યું હતું કે, અમારા દરિયાકાંઠા અને દરિયાકાંઠે આવેલા વિસ્તારોમાં સુરક્ષા દળો સંપૂર્ણપણે સાવધાન છે. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, તેઓ લોકોને ખાતરી આપવા માંગે છે કે, અમારી નૌસેના આવા કોઇપણ ખતરાને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આધ્યાક્મિક ગુરુ માતા અમૃતાનંદમઈના ૬૬માં જન્મદિવસે આયોજિત કાર્યક્રમમાં રાજનાથસિંહે કહ્યું હતું કે, ભારત ત્રાસવાદીઓને કોઇ કિંમતે છોડશે નહીં.

          તેમણે કહ્યું હતું કે, પુલવામામાં ત્રાસવાદી હુમલા બાદ સેના દ્વારા બાલાકોટમાં ત્રાસવાદીઓને ટાર્ગેટ કરીને ભીષણ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. અમે આ બાબતને નકારી શકતા નથી કે, અમારા પડોશી દેશના ત્રાસવાદી દરિયાકાંઠા ઉપર હુમલા કરી શકે છે. કચ્છથી કેરળ સુધી દરિયાકાંઠાના વિસ્તારો આવેલા છે. એક સંરક્ષણમંત્રી તરીકે તેઓ ખાતરી આપવા માંગે છે કે, અમારા દેશની દરિયાઇ સરહદ સંપૂર્ણપણે સુરક્ષિત છે. દરિયાઈ સુરક્ષાને સુરક્ષિત રાખવા માટે સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. પુલવામા હુમલાના સંદર્ભમાં રાજનાથસિંહે કહ્યું હતું કે, અમારા દેશમાં કોઇપણ નાગરિક જવાનો દ્વારા આપવામાં આવેલા બલિદાનને ભુલી શકે તેમ નથી. તમામ લોકો જાણે છે કે, પુલવામા હુમલાના થોડાક દિવસ બાદ જ હવાઈ દળે પાકિસ્તાનમાં ઘુસીને બાલાકોટમાં હવાઈ હુમલા કર્યા હતા.

               અમે કોઇને પરેશાન કરતા નથી પરંતુ અમને જો કોઇ પરેશાન કરશે તો અમે તેમને છોડીશું નહીં. રાજનાથસિંહે કહ્યું હતું કે, એવા દેશ જે પોતાના સૈનિકોના બલિદાનને પણ યાદ રાખતું નથી તે દેશને દુનિયામાં કોઇપણ જગ્યાએ સન્માન મળી શકે તેમ નથી. જે સૈનિકોએ દેશ માટે પ્રાણોની આહૂતિ આપી છે તેમના માતા-પિતાને ભુલાવી દેવામાં આવે તેવા દેશનું નામ રહેતું નથી. અમે અમારા જવાનો અને તેમના પરિવાર સાથે મજબૂતી સાથે ઉભા છીએ. રાજનાથસિંહના આજના દિવસના નિવેદનને ખુબ આક્રમક ગણવામાં આવે છે. રાજનાથસિંહ છેલ્લા કેટલાક દિવસથી ખુબ આક્રમક નિવેદન કરી રહ્યા છે. પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કરીને રાજનાથસિંહે કહ્યું હતું કે, પાકિસ્તાનના આતંકવાદી દેશમાં મોટા હુમલાને અંજામ આપી શકે છે.

(7:36 pm IST)