Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ટ્રેડમિલ પર દોડતા-દોડતા ૨૪ વર્ષીય એન્જિનિયરનું મોત

જો તમે રાતના સમયે જિમમાં જતા હોવ તો સાવધાન થઈ જજો

નોઈડા, તા.૨૭: જો તમે રાતના સમયે જિમમાં જતા હોવ તો સાવધાન થઈ જજો, આ તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. બુધવારે રાત્રે નોઈડાના સેકટર ૭૬ના જેએમ ઓર્કિડ સોસાયટીના જિમમાં ટ્રેડમિલ પર દોડી રહેલો સોફટવેર એન્જિનિયર અચાનક ચક્કર ખાઈને બેભાન થઈ ગયો હતો. તાત્કાલિક ધોરણે તેને સારવાર માટે સેકટર ૫૦ના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જયાં ડોકટર્સે તેને મૃત જાહેર કરી દીધો હતો.

યુવકનું મૃત્યું હાર્ટ એટેકના કારણે થયું હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. એસઓ ધર્મેન્દ્ર કુમાર શર્માએ જણાવ્યું કે મૃતકના પરિવાર તરફથી હજી સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. હાલમાં આ મામલાની તપાસ હાથ ધરાઈ છે.

પ્રાપ્ય જાણકારી અનુસાર, ઉત્ત્।રાખંડના નૈનીતાલ જિલ્લાના રામનગરનો રહેવાસી યશ ઉપાધ્યાય (૨૪) પોતાના માતા-પિતાનો એક માત્ર સંતાન હતો. એન્જિનિયરિંગ કર્યા બાદ તે નેટવર્કિંગનો કોર્સ કરવા માટે લગભગ એક મહિના પહેલા જ સેકટર ૭૬ સ્થિત જેએમ ઓર્કિડ સોસાયટીમાં રહેતા પોતાના માસા આરએન જોશીના ઘરે આવ્યો હતો.

જશીએ જણાવ્યું કે યશ દરરોજ સવારે સોસાયટીની અંદર આવેલા કલબમાં જિમ કરવા માટે જતો હતો. બુધવારે સવારે તેને સમય નહતો મળ્યો તેથી તે સાંજે ૭.૩૦ વાગ્યે જિમ કરવા માટે ગયો હતો. ત્યાં તે ટ્રેડમિલ પર દોડી રહ્યો હતો અને અચાનકથી ચક્કર ખાઈને બેભાન થઈ ગયો. ગુરૂવારે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયું હતું. ડોકટર્સે પ્રાથમિક જાણકારી આપતા જણાવ્યું કે તેનું મૃત્યું હાર્ટ એટેકથી થયું હોઈ શકે.

(3:49 pm IST)