Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સલમાન ખાનનો બાઉન્સર રહી ચુકેલા શખ્સનો આતંકઃ પકડવા માટે 'જાળ'નો ઉપયોગ કરાયો!

રાહદારીઓને કારણવગર ફટકારી ગાડીઓના કાચ ફોડી આતંક મચાવ્યોઃ હાલમાં અનસ કુરેશી મહારાષ્ટ્રના મંત્રીનો બાઉન્સર છેઃ મુરાદાબાદમાં બનાવ

મુરાદાબાદઃ ગુરૂવારે અહિ એક શખ્સે સરાજાહેર જબરદસ્ત આતંક મચાવ્યો હતો. આવતા-જતાં લોકોને કારણવગર મારકુટ કરી હતી તેમજ લોખંડના સળીયાથી અનેક ગાડીઓના કાચ ફોડી નાંખ્યા હતાં. આ શખ્સને કાબુમાં લેવા માટે પોલીસને પ્રજાજનોની મદદ લેવી પડી હતી અને માછલી  પકડવામાં ઉપયોગમાં લેવાતી જાળનો ઉપયોગ કરવો પડ્યો હતો. આમ છતાં જાળમાંથી છટકવા માટે પણ આ શખ્સે ભારે ધાંધલધમાલ મચાવી હતી. પોલીસ તપાસમાં આ શખ્સનું નામ અનસ કુરેશી હોવાનું અને મુરાદાબાદમાં દસ દિવસ પહેલા જ મહારાષ્ટ્રથી મિસ્ટર મુરાદાબાદ  ચેમ્પિયનશીપમાં ભાગ લેવા આવ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસ સુત્રોએ કહ્યું હતું કે અનસ દોઢેક વર્ષ પહેલા બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનનો બાઉન્સર રહી ચુકયો છે. હાલમાં તે મહારાષ્ટ્રના એક મંત્રીના બાઉન્સર તરીકે કામ કરે છે. મિસ્ટર મુરાદાબાદ ચેમ્પિયનશીપમાં ભાગ લીધા બાદ અનસ અહિ તેના ઘરે રોકાયો હતો. ગઇકાલે સવારે તે અચાનક રોડ પર ઉતરી ગયો હતો અને લોકોને માર મારી ગાડીઓના કાચ ફોડવાનું શરૂ કરતાં નાસભાગ મચી ગઇ હતી. કોઇએ ૧૦૦ નંબરમાં ફોન કરતાં પોલીસ પહોંચી હતી. પરંતુ આ બોડી બિલ્ડર કાબૂમાં થાય તેમ ન હોઇ વધુ સ્ટાફ મંગાવાયો હતો અને લોકોની મદદ લઇ પોલીસે માછલીની જાળથી તેને દબોચ્યો હતો અને દોરડાથી બાંધીને પોલીસ મથે લઇ ગયા હતાં. મુરાદાબાદ સારવાર અપાવી અનસને બરેલી મેન્ટલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

(1:02 pm IST)