Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

છુટાછેડાની માંગણી

યુપીના પ્રધાન પત્નિ વિરૂધ્ધ ચઢયા કોર્ટેઃ ખોટા ખર્ચાની આદત પોસાતી નથી

બાંદા, તા.૨૭: ઉત્ત્તર પ્રદેશના મંત્રી બાબુરામ નિષાદે પોતાની પત્ની નીતુ નિષાદ ઉર્ફે શબનમથી છૂટાછેડા લેવા માટે હમીરપુર ફેમિલી કોર્ટમાં અરજી કરી છે. મંત્રીનું કહેવું છે કે, તેઓ તેમની પત્નિ નીતુ નિષાદના ખોટા ખર્ચા કરવાની આદત અને ખોટા આરોપોથી ત્રસ્ત થઈ ગયા છે. કોર્ટે આ મામલે નીતુ નિષાદને આગામી ૩૦ સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે.

મંત્રીએ જણાવ્યું કે, તેમની પત્ની નીતુએ બે મહિનામાં જ ૧૪ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે. નીતુની ખોટા ખર્ચા ઉઠાવવા તેમની તાકાતની બહાર છે અને તે તેમના પર ખોટા આરોપો પણ લગાવતી રહે છે. નિષાદ મુજબ લગભગ ૧૪ વર્ષ પહેલા તેમણે નીતુ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા દિવસ સુધી બધુ બરાબર ચાલ્યું, પરંતુ બાદમાં તેઓ નીતુની ખોટા ખર્ચા કરવાની આદતથી પરેશાન થઈ ગયા.

બીજી તરફ નીતુએ થોડા દિવસ પહેલા લખનોના નાકા હિંડોલા પોલીસ મથકમાં મંત્રી સામે ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી હતી. દાવો છે કે, આ ફરિયાદ બાદ થયેલી તપાસનો રિપોર્ટ સીઓ કેસરબાગને સોંપી દેવાયો હતો. તપાસમાં નીતુના બધા આરોપો ખોટા હોવાનું બહાર આવ્યું હતું. પોતાની ફરિયાદમાં નીતુએ કહ્યું હતું કે, તેમના પતિ તેને બંદૂકના દમ પર ધમકાવે છે અને મારપીટ કરે છે. તે ઉપરાંત નીતુએ પોતાની હત્યા થવાની આશંકા પણ વ્યકત કરી હતી. આ સમગ્ર મામલા બાદ હવે છૂટાછેડાની અરજી આપતા રાજયમંત્રીએ કહ્યું કે, તેમની પત્નિ તેમના પર અવાર-નવાર ખોટા આરોપ લગાવે છે.(૨૩.૪)

(10:06 am IST)