Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ટ્રક હડતાળનો આખરે અંત આવ્યો : કારોબારીને રાહત

છેલ્લા આઠ દિવસથી ટ્રક હડતાળ ચાલી રહી હતીઃ દિલ્હીમાં પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચે યોજાયેલી બેઠક સફળ રહી : સરકારની ખાતરી બાદ હડતાળ પરત ખેંચાઈ

નવીદિલ્હી, તા.૨૭ : છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલી ટ્રક હડતાળનો આજે અંત આવ્યો હતો. હડતાળના પરિણામ સ્વરુપે અર્થતંત્રને પ્રત્યક્ષ અથવા પરોક્ષરીતે ૫૦૦૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હતું. સરકાર અને ટ્રાન્સપોર્ટરોના પ્રતિનિધિઓ વચ્ચે આજે મોડી સાંજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં સરકારની ખાતરી બાદ ટ્રક હડતાળને પાછી ખેંચી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આની સાથે જ હવે સમસ્યા ફરી હળવી બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ૨૦મી જુલાઈ બાદથી ૯૦ લાખ ટ્રક હડતાળ ઉપર હતા. ડિઝલની ઉંચી કિંમતો અને અન્ય જુદી જુદી માંગણીઓને લઇને હડતાળ શરૃ કરવામાં આવી હતી. હડતાળના કારણે અભૂતપૂર્વ નુકસાન થઇ રહ્યું હતું. ટ્રક હડતાળ માટે જુદા જુદા કારણો આપવામાં આવ્યા હતા. ડિઝલના વધતા ભાવ, ટોલ પ્લાઝા પર લેવા ટેક્સ, થર્ડ પાર્ટી વિમા, જીએસટી, ઇવેબિલ, ટીડીએસના પડતર પ્રશ્નોને લઇને ટ્રાન્સપોર્ટરો દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ પાડવામાં આવી હતી. ગુજરાત રાજ્યના ૧૧૮થી વધુ એસોસિએશન પણ આમા જોડાયા હતા. એકલા ગુજરાતમાં છ લાખથી વધુ ટ્રકના પૈડા થંભી ગયા હતા. માત્ર આઠ દિવસના ગાળામાં નુકસાનનો આંકડો હજારો કરોડમાં પહોંચી ગયો હતો. ટ્રક સંચાલકોને પણ હજારો કરોડનું નુકસાન થયું છે. ટ્રક હડતાળનો અંત લાવવા માટે પ્રયાસ થઇ રહ્યા હતા. આજે દિલ્હીમાં ટ્રક ઓપરેટરો તરફથી પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં સરકાર તરફથી ખાતરી આપવામાં આવ્યા બાદ ટ્રકર્સ માની ગયા હતા. એસોસિએશનેે અગાઉ નિવેદનમાં કહ્યું હતું કે, ડિઝલની કિંમતો સામેના વિરોધમાં આ હડતાળ શરૃ થઇ હતી. દેશભરમાં ટોલ અડચણોને દૂર કરવાની માંગ પણ કરાઈ હતી. આ હડતાળના લીધે નાના, મધ્યમ અને સુક્ષ્મ ઉદ્યોગ સાહસિકોને વધારે ફટકો પડ્યો હતો. સપ્લાયની સમસ્યા સર્જાઈ હતી. જરૃરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઇ રહ્યો હતો.

(9:57 pm IST)