Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

એલજેપી ભારે ખફા : એનજીટીના ચેરમેનને દૂર કરવા કરાયેલી માંગ

ભાજપને મુદ્દા આધારિત ટેકો હોવાની પણ વાત કરવામાં આવી : દલિતો પર અત્યાચારની વિરૂદ્ધ કાયદામાં કઠોર જોગવાઈ કરવા તથા નવમી ઓગસ્ટ સુધી ગોયેલને હોદ્દાથી દૂર કરવાની માંગ : એલજેપી લડાયક મૂડમાં

નવીદિલ્હી,તા. ૨૭ : કેન્દ્ર સરકારના મંત્રી રહેલા રામવિલાસ પાસવાનની લોકજન શક્તિ પાર્ટીએ કઠોર વલણ અપનાવ્યું છે. આજે પાર્ટીએ સ્પષ્ટતા કરી હતી કે, ભાજપને મુદ્દા આધારિત ટેકો આપવામાં આવેલો છે. પાર્ટીએ દલિતો પર અત્યાચારની સામે કાયદામાં કઠોર જોગવાઈ કરવા તથા ૯મી ઓગસ્ટ સુધી એનજીટીના અધ્યક્ષ એકે ગોયેલને હોદ્દા ઉપરથી દૂર કરવાની માંગ કરી છે. પાર્ટીના સાંસદ અને રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાને પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, પાર્ટીની અંદર કેટલાક લોકોની ધીરજ ખુટી ગઈ છે. કારણ કે, દલિતો અને આદિવાસીઓને લઇને ચિંતા સપાટી ઉપર આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં ભાજપ અને એલજેપી વચ્ચે ગંઠબંધનના મૂડમાં આ સમુદાયની સુરક્ષા અને હિતો હતો. ચિરાગ પાસવાને કહ્યું હતું કે, તેમની પાર્ટી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અત્યાચાર રોકવા સાથે સંબંધિત કાયદાની મૂળ જોગવાઈને લાગૂ કરવા માટે વટહુકમ લાવવાની માંગ છેલ્લા ચાર મહિનાથી કરી રહી છે પરંતુ સરકાર આવા કોઇ પગલા લઇ રહી નથી. તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સમક્ષ એસસી અને એસટી એક્ટને ફરીથી સંસદમાં બિલ તરીકે ૭મી ઓગસ્ટ સુધી રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. આનાથી પૂર્વ કાયદાને ફરીથી લાગૂ કરી શકાશે. ચિરાગે કહ્યું હતું કે, બીજી એપ્રિલના દિવસે વિરોધ પ્રદર્શનની સરખામણીમાં નવમી ઓગસ્ટના દિવસે પ્રદર્શન વધારે ઉગ્ર બની શકે છે. જો કે, ભાજપને સીધીરીતે ધમકી આપવાથી બચવાના પ્રયાસ એલજેપીએ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, એલજેપીને વડાપ્રધાન નરેન્દ્રમોદીમાં પૂર્ણ વિશ્વાસ છે. કારણ કે, તેમની સરકારે દલિતો માટે ઘણું કામ કર્યું છે. ચિરાગે કહ્યું હતું કે, મોદીને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, એસસી-એસટી એક્ટમાં કોમા અને ફુલસ્ટોપ કંઇપણ બદલાશે નહીં. ૯મી ઓગસ્ટ સુધી તેમની માંગણી સ્વીકારવામાં આવશે નહીં તો તેમની પાર્ટી ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકારથી છેડો ફાડી લેશે કે કેમ તે અઁગે પૂછવામાં આવતા એલજેપી નેતાએ કહ્યું હતું કે, જ્યારે સમય આવશે ત્યારે પગલા લેવામાં આવશે. કાયદાને મૂળ સ્વરુપમાં રજૂ કરવાની માંગને લઇને અનેક દલિત સંગઠનો અને આદિવાસીઓ તરફથી ૧૦મી ઓગસ્ટના દિવસે બંધની હાકલ કરી છે. તમામ લોકો જાણે છે કે, બીજી એપ્રિલના દિવસે બંને સંગઠનો તરફથી આપવામાં આવેલા બંધ દરમિયાન વિરોધ પ્રદર્શનમાં ૧૦ લોકોના મોત થયા હતા. જો સરકાર યોગ્ય પગલા લેશે નહીં તો દલિત સેના પણ ૧૦મી ઓગસ્ટના દિવસે પ્રદર્શનમાં સામેલ થઇ શકે છે. અત્રે નોંધનીય છે કે, લોકસભામાં એલજેપીના છ સાંસદ છે. બિહારમાં દલિતો વચ્ચે પાર્ટી સારી પકડ ધરાવે છે. ૨૦૧૪માં ભાજપની સાથે હાથ મિલાવતા પહેલા પાર્ટી યુપીએમાં સામેલ હતી. એનજીટીના ચેરમેન એકે ગોયેલ સુપ્રીમ કોર્ટના એવા બે ન્યાયાધીશોમાં સામેલ હતા જે અનુસૂચિત જનજાતિ, જાતિ અત્યાચાર રોકવા સાથે સંબંધિત બિલના સંબંધમાં આદેશ આપ્યો હતો. સેવા નિવૃત્તિ બાદ ગોયેલને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે. પત્રકાર પરિષદ યોજીને ચિરાગે આજે આ મુજબની વાત કરી હતી. જુદા જુદા દલિત સંગઠનો હાલમાં નાખુશ દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તેમની નારાજગી દૂર થાય તે જરૂરી છે.

(7:36 pm IST)