Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

કોંગ્રેસ લીગેસી ટેક્સની જગ્યા પર હવે જીએસટી વ્યવસ્થા છે

કરવેરામાં વધુ ઘટાડો કરવાનો જેટલીનો સંકેત : સિમેન્ટ, એસી, ટીવી જેવી વસ્તુઓ ઉપર ટેક્સમાં ઘટશે કોંગ્રેસ શાસનમાં ૩૧ ટકા ટેક્સ જરૂરી વસ્તુઓ પર હતો

નવી દિલ્હી,તા. ૨૭ : કેન્દ્રીયમંત્રી અરુણ જેટલીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે, ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સથી થનારી આવક બાદ સિમેન્ટ, એસી અને ટીવી જેવી ચીજવસ્તુઓ ઉપર લાગનાર ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેટલીએ કહ્યું હતું કે, માત્ર લકઝરી અને શરાબ સિગરેટ જેવી ચીજોને જ ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાં રાખવામાં આવશે. ફેસબુક પોસ્ટમાં અરુણ જેટલીએ જીએસટીથી પહેલાની વ્યવસ્થાને કોંગ્રેસ લીગેસી ટેક્સ નામ આપ્યું છે. જેટલીએ લખ્યું છે કે, એ વખતે લોકોને ઘરની ચીજવસ્તુઓ ઉપર ૩૧ ટકા સુધી ટેક્સ આપવાની ફરજ પડી હતી. જીએસટીમાં ટેક્સના અનેક સ્લેબ હોવાના લીધે રાહુલ ગાંધી અને કોંગ્રેસના લોકો મોદી સરકાર ઉપર પ્રહાર કરતા રહે છે. રાહુલ ગાંધી જીએસટીને ગબ્બરસિંહ ટેક્સના નામથી બોલાવે છે. હવે જેટલીએ કોંગ્રેસ પર પ્રહાર કરીને રાહુલને વળતો જવાબ આપીને કોંગ્રેસ લીગેસી ટેક્સનો ઉપયોગ કરવાની વાત કરી છે. જેટલીએ કહ્યું છે કે, છેલ્લા એક વર્ષમાં ૩૮૪ વસ્તુઓની કિંમતમાં ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. ૧૭ સ્થાનિક ટેક્સની જગ્યાએ પહેલી જુલાઈ ૨૦૧૭થી  જીએસટીની વ્યવસ્થા અમલી કરવામાં આવી હતી. જેટલીએ પોતાના પોસ્ટમાં લખ્યું છે કે, હવે ૨૮ ટકાવાળા સ્લેબ તબક્કાવારરીતે ખતમ કરવામાં આવી રહ્યા છે. હવે તેમાં લકઝરી ચીજવસ્તુઓ ઉપરાંત સિમેન્ટ, એસી, મોટા ટીવી અને અન્ય ચીજો રહી ગઈ છે. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, આવક વધવાની સાથે જ આ ચીજોની કેટેગરીમાં પણ ફેરફાર કરવામાં આવશે. જેટલીએ સર્વિસ સેક્ટરના સંદર્ભમાં કહ્યું છે કે, ૬૮ પ્રકારની સર્વિસ ઉપર ટેક્સમાં ઘટાડો કરવામં આવ્યો છે. જીએસટીમાં કાપથી સરકારને ૭૦૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અત્રે નોંધનીય છે કે, ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે સૌથી ઉંચા ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાં પેદાશોની યાદીને ઘટાડીને ૩૫ કરી દીધી છે. હવે આ યાદીમાં એસી, ડિજિટલ કેમેરા, વિડિયો રેકોર્ડર, ડિસવોશિંગ મશીન, વાહન જેવી ૩૫ પ્રોડક્ટ રહી ગઈ છે. છેલ્લા એક વર્ષના ગાળા દરમિયાન જીએસટી કાઉન્સિલે સૌથી ઉંચા ટેક્સ સ્લેબવાળા ૧૯૧ પ્રોડક્ટ પર ટેક્સ ઘટાડી દીધો છે. જીએસટી વ્યવસ્થાને લઇને દેશના જુદા જુદા ભાગોમાં હજુ પણ કેટલાક વેપારી વર્ગોમાં નારાજગી જોવા મળે છે. બીજી બાજુ સરકારે જીએસટી વ્યવસ્થાને વધુ સરળ બનાવવાની દિશામાં અવિરતરીતે પહેલ જારી રાખી છે. આના ભાગરુપે જ છેલ્લા એક વર્ષના ગાળામાં જીએસટી કાઉન્સિલે સૌથી ઉંચા ટેક્સ સ્લેબવાળી ૧૯૧ પ્રોડક્ટ પર ટેક્સમાં ઘટાડો કરી દીધો છે.

(7:37 pm IST)