Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

માછલી વેચીને ભણતી કેરળની હનાન હામિદ નામની વિદ્યાર્થીનીની સંઘર્ષ કથા સોશ્યલ મીડિયામાં વાયરલઃ અમુક લોકોઅે હનાનના વખાણ કર્યા તો અમુકે વખોડી

ફોટોઃ Hanan Hamid Troll

કોચ્ચિઃ કેરળની કોલેજમાં ભણતી 21 વર્ષીય વિદ્યાર્થિની આજકાલ ચર્ચામાં છે. માછલી વેચીને ભણતી વિદ્યાર્થિનીની સંઘર્ષની કહાની છેલ્લા થોડા દિવસથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અહેવાલ બાદ કેટલાક લોકો હનાન હામિદના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેની વાતને ખોટી ગણાવીને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરી રહ્યા છે. તો ફિલ્મની ઓફર મળ્યા બાદ ટ્રોલર્સ ફરીથી તેની નિંદા શરૂ કરી છે. તો બીજી તરફ કેંદ્રીય મંત્રી અલ્ફોંસ કન્નાથનમ હનાનના સમર્થનમાં આવ્યા છે અને ટ્રોલર્સને આવું કરવા વિનંતી કરી છે.

જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા એક સ્થાનિક ન્યૂઝપેપરે B.Scની વિદ્યાર્થિની હનાન હામિદના સંઘર્ષની કહાની છાપી હતી. રિપોર્ટ પ્રમાણે, હનાન પોતાના પરિવારને મદદ કરવા માટે અને ભણવાનું ચાલુ રાખવા માટે કોલેજ પછી માછલી વેચે છે. હનાનનો કિસ્સો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવ્યો. તેની સંઘર્ષ ગાથાથી ફિલ્મ સ્ટાર્સ અને નેતાઓ પણ પ્રભાવિત થયા. ઘણા એક્ટર્સ અને નેતાઓએ તેની કહાની સોશિયલ મીડિયા પર શેર કરી. જેના કારણે હનાનની લોકપ્રિયતા વધી ગઈ.

દરમિયાન હનાન સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગી. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તેને જૂઠ્ઠી ગણાવીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. જો કે કોલેજ પ્રશાસન અને પડોશીઓએ હનાની કહાની સાચી ગણાવી તેને સમર્થન કર્યું. તેમ છતાં ટ્રોલર્સે ટ્રોલ કરવાનું ચાલુ રાખ્યું. તો કેંદ્રીય મંત્રી અલ્ફોંસ કન્નાથનમે ટ્રોલર્સને આડે હાથ લીધા. ફેસબુક પર નારાજગી વ્યકત કરતાં મંત્રીએ લખ્યું કે, “હનાનને ટ્રોલ કરવાનું બંધ કરો. હું શરમ અનુભવું છું. એક છોકરી પોતાની વેરવિખેર જિંદગીને સમેટવાની કોશિશ કરી છે અને તમે રાક્ષસો..”

કેંદ્રીય મંત્રીએ હનાનના સંઘર્ષને સલામ કરી. સાથે PM મોદીના જીવનના સંઘર્ષનું પણ ઉદાહરણ આપ્યું. મંત્રીએ કહ્યું કે, પ્રકારના લોકોના જીવનમાંથી પ્રેરણા લેવાની જરૂર છે તેમની નિંદા કરવાની નહિ. તો બીજી તરફ આલોચનાથી દુઃખી હનાને ટ્રોલર્સને અપીલ કરી છે કે, તેને એકલી રહેવા દે. હનાને કહ્યું કે, “મારે કોઈ મદદની જરૂર નથી. મને કોઈપણ કામ કરવા દો જેથી મારું ગુજરાન ચાલી શકે.” કેરળના મહિલા આયોગની અધ્યક્ષ એમસી જોસેફિને પણ ટ્રોલર્સની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, પ્રકારની મહેનતી વિદ્યાર્થિનીઓની આલોચના કરવી નિંદનીય છે.

હનાનની લોકપ્રિયતા અને સંઘર્ષની કહાની વાંચ્યા બાદ મલાયલમ ફિલ્મોના એક નિર્માતાએ તેને ફિલ્મની ઓફર આપી છે. ફિલ્મ ઓફર થતાં ટ્રોલર્સે ફરીથી હનાનની નિંદા શરૂ કરી છે. જો કે નિર્માતાએ કહ્યું કે, તે પોતાના નિર્ણય પર અડગ છે અને હનાન તેમની ફિલ્મનો ભાગ હશે.

(6:02 pm IST)