Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

મોદી સરકારનું પહેલું સ્માર્ટ સિટી બનતા હજુ લાગશે ૩ વર્ષનો સમય

પહેલુ સ્માર્ટ સિટી ૨૦૨૧ સુધીમાં બનીને તૈયાર થઇ જશે : બનારસને ટોકયો અને દેશના ૧૦૦ શહેરોના સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાના મહત્વકાંક્ષી યોજના પર મોદી સરકારે લગભગ ૩૦ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા છે

નવી દિલ્હી તા. ૨૭ : બનારસને ટોકયો અને દેશના ૧૦૦ શહેરોના સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાના મહત્વકાંક્ષી યોજના પર મોદી સરકારે લગભગ ૩૦ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા છે. ઉપરાંત હજુ ૨૦૧૮ના અંત સુધીમાં વધુ ૨૦ હજાર કરોડનો ખર્ચ થાય તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. સરકારનો દાવો છે કે પહેલુ સ્માર્ટ સિટી ૨૦૨૧ સુધીમાં બનીને તૈયાર થઈ જશે.

રાજયસભામાં પ્રશ્નકાળ દરમિયાન સરકારની યોજના સ્માર્ટ સિટી પર જવાબ આપતી વખતે શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે મોદી સરકારના ૧૦૦ સ્માર્ટ સિટી બનાવવાના પ્લાન પર તેજીથી કામ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને દાહોદ આમ ગુજરાતના ૬ શહેરોનો સ્માર્ટ સિટી અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે.

સરકાર મુજબ જાન્યુઆરી ૨૦૧૬થી પ્રોજેકટનો પહેલો તબક્કો શરૂ થયો હતો જેમાં અત્યાર સુધીમાં ૩૭ ટકા જેટલું ધન ખર્ચાઈ ગયું છે. આ યોજના અંતર્ગત દરેક પ્રોજેકટ માટે ૫૦૦ કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે, જયારે બાકી પૈસા રાજય સરકાર, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ અને લોન દ્વારા ખર્ચ કરવામાં આવશે. સરકારે જણાવ્યું કે લોકભાગીદારીથી ૨૫ લાખ નાગરિકો દ્વારા સ્માર્ટ સિટીની પસંદગી કરવામાં આવી હતી. જેમાંના ૯૦ ટકા બ્રાઉન ફીલ્ડ પ્રોજેકટ એટલે કે એવાં શહેરો છે જે પહેલેથી જ વસેલાં છે, પરંતુ તેમના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે.

બાકીના ૧૦ ટકા ગ્રીન ફીલ્ડ પ્રોજેકટ છે મોદી સરકારના સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત ૨,૦૫,૮૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચો થશે. જેના પર રાજયસભામાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદે સવાલ ઉઠાવ્યા છે. એમણે કહ્યું કે, 'સ્ટેન્ડિંગ કમિટી મુજબ સ્માર્ટ સિટીમાં માત્ર ૭ ટકા બજેટનો જ ઉપયોગ થયો છે.' એટલું જ નહીં સ્ટેન્ડિંગ કમિટી ખાસ કરીને આ વાતને લઈને એટલા માટે પરેશાન છે કે આ પ્રોજેકટ માત્ર ડ્રોઈંગ બોર્ડમાં જ છૂપાઈ રહ્યો છે. આ પ્રોજેકટ પાછળ હજુ કંઈ ખાસ કામ નથી થયું.

જેના પર સરકારે જવાબ આફયો કે સ્ટેન્ડિંગ કમિટી યૂટિલાઈઝેશન સર્ટિફિકેટના આંકડાઓને આધાર માની રહી છે જે જૂના છે. જો કે સરકારે માન્યું કે કેન્દ્ર અને રાજયની વચ્ચે તાલમેળ બનવામાં કેટલીય અડચણો આવી રહી છે. કેટલીય વખત કેન્દ્ર પાસેથી ફંડ આપી દેવામાં તો આવે છે. પરંતુ તેમ છતાં તે જમીન પર ચાલી રહેલા કામ સુધી નથી પહોંચી શકતું.

(4:37 pm IST)