Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

મોદીના એક ઓટોગ્રાફે બાંકુરાની યુવતીને બનાવી દીધી સેલિબ્રિટી

૧૬ જુલાઇએ PMએ આપ્યો ઓટોગ્રાફ : ઓટોગ્રાફ જોવા લોકોના ટોળા આવે છે

બાંકુરા તા. ૨૭ : બાંકુરા ક્રિશ્ચન કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કયારેય નહીં વિચાર્યું હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઓટોગ્રાફ તેને કલકત્ત્।ાથી ૨૩૦ કિલોમીટર દૂર આવેલા તેના ગામ સાલગેરામાં સેલિબ્રિટી બનાવી દેશે. બાંકુરાના રાનીબંધમાં આવેલા ગામની ૧૯ વર્ષીય રિટા મોડી માટે બે મેરેજ પ્રપોઝલ પણ આવ્યા છે. શુક્રવારે ટેલિફોનિક વાતચીત દરમિયાન રિટાએ જણાવ્યું કે, 'છેલ્લા ૧૦ દિવસથી ખૂબ વ્યસ્ત છું. પેલા દિવસ જયારે પ્રધાનમંત્રી મોદી મને હોસ્પિટલમાં મળવા આવ્યા ત્યારે મારી ખુશીનો પાર નહોતો.'

૧૬ જુલાઈએ રિટા તેની માતા અને બહેન સાથે પ્રધાનમંત્રી મોદીને સાંભળવા મીંડાપુર ગઈ હતી. રિટા, તેની બહેન અને માતા જે ટેન્ટમાં બેઠા હતા તે અચાનક તૂટી ગયો હતો. જે બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લેવા પહોંચેલા PM મોદીએ રિટા સાથે વાતચીત કરી હતી. રિટાએ કહ્યું કે, 'મેં PM પાસે ઓટોગ્રાફ માગ્યો. શરૂઆતમાં PM ઓટોગ્રાફ આપતા ખચકાયા પરંતુ બાદમાં તેમણે હસીને લખ્યું કે, 'રિટા મોડી તું સુખી રહે. નરેન્દ્ર મોદી.' PM મોદીની બાજુમાં ઊભેલા વ્યકિતએ તેમને ઓટોગ્રાફ માટે કાગળ આપ્યો હતો.૩

રિટાએ કહ્યું કે, 'આ ઘટના બાદ લોકોના ટોળે ટોળા અમને મળવા આવતા હતા. એવા લોકો પણ મળવા આવ્યા જે અગાઉ કયારેય અમારી સાથે વાત પણ નહોતા કરતા. અમે સાજા થઈ ગયા છતાં લોકો અમને મળવાને બહાને ઓટોગ્રાફ જોવા આવે છે. એકાએક મળેલું આ અટેન્શન અશાંતિકર છે. મારી તસવીર સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપરમાં છપતાં હું રાતોરાત ફેમસ બની છું.'

રિટાની માતા સંધ્યાએ કહ્યું કે, 'છેલ્લા ૧૦ દિવસમાં રિટા માટે લગ્નના માગા પણ આવ્યા છે. પહેલું માગું ઝારખંડના ટાટાનગરથી આવ્યું. યુવકનો પોતાનો ધંધો છે અને તેને દહેજ પણ નથી જોઈતું. તેમણે અમને પોતાના ઘરે પણ બોલાવ્યા છે. તો બીજું માગું બાંકુરાથી આવ્યું છે. યુવકની પોતાની ખેતીની જમીન છે. મારી બંને દીકરીઓએ આર્ટ્સમાં ગ્રેજયુએશન માટે બાંકુરાની સરદામની મહિલા મહાવિદ્યાપીઠમાં એડમિશન લીધું છે. અને બંને ભણવા માગે છે. એટલે અમે લગ્નના પ્રસ્તાવમાં બહુ રસ દાખવ્યો નથી.'

PM મોદીનો ઓટોગ્રાફ મળ્યા પહેલા રિટા માટે એક લગ્નનો પ્રસ્તાવ આવ્યો હતો પરંતુ યુવકે દહેજમાં ૧ લાખ રૂપિયા માગ્યા હતા. રિટાના પિતા ચંદ્રા મૂડી પોતાની જમીન પર ખેતી કરે છે. રિટાએ કહ્યું કે, 'મારા માતા-પિતા નક્કી કરશે ત્યારે મારા લગ્ન થશે પરંતુ હાલ તો મારે ભણવું છે.'

(4:12 pm IST)