Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

સેંસેક્સે ૩૭ હજારની સપાટી કુદાવી : શરૂમાં તીવ્ર ઉછાળો

સેંસેક્સમાં ૩૦૧ પોઇન્ટનો ઉછાળો નોંધાયો : નિફ્ટીમાં ૭૦ પોઇન્ટનો શરૂઆતી કારોબારમાં ઉછાળો

મુંબઇ,તા. ૨૭ : શેરબજારમાં આજે જોરદાર તેજી શરૂઆતી કારોબારમાં જોવા મળી હતી. કારોબાર શરૂ થતાની સાથે જ સેંસેક્સમાં ૩૦૧ પોઇન્ટનો  ઉછાળો નોંધાયો હતો. આની સાથે જ તેની સપાટી ૩૭૨૮૬ સુધી પહોંચી ગઇ હતી. સેંસેક્સે ૩૭૦૦૦ની સપાટી કુદાવી લીધી હતી. આવી જ રીતે નિફ્ટી ૭૦ પોઇન્ટ ઉછળીને ૧૧૨૩૬ની ઉંચી સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન બેંચમાર્ક ઇન્ડેક્સમાં જોરદાર તેજી રહી શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામ આજે જાહેર કરવામાં આવનાર ચે. આજે સવારમાં તેલની કિંમતોમાં ઘટાડો થયો હતો. વર્તમાન સપ્તાહના કારોબારના છેલ્લા દિવસે આજે તીવ્ર તેજી રહી શકે છે.  કારોબારમાં હાલમાં ઉથલપાથલ રહી શકે છે. કારણ કે, વેપારીઓ એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં સ્થિતિને લઇને ગણતરી કરી રહ્યા છે.  જીએસટી કાઉન્સિલની બેઠકમાં શનિવારના દિવસે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાં અનેક પ્રોડક્ટ ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વસ્તુઓ પર ટેક્સના રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જે ચીજવસ્તુઓ ઉપર ટેક્સ સ્લેબ ઘટાડવામાં આવ્યા હતા તેમાં પેઇન્ટ્સ, લેધરની ચીજવસ્તુઓ, સ્ટોવ, ટેલિવિઝન, વોશિંગ મશીનનો સમાવેશ થાય છે. આ તમામ ઉપર રેટને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો હતો. સેનેટરી નેપકિનને ટેક્સમુક્ત કરવાનો નિર્ણય કરાયો હતો. ૧૦૦૦ રૂપિયા સુધીના ફુટવેર અને ફર્ટિલાઇઝર ગ્રેડ ફોસ્ફોરિક એસિડ પર ટેક્સ રેટને ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ ઉડી બાદ તેની પણ અસર બજારમાં જોવા મળી શકે છે.અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં શુક્રવારે ૧૨૬ અને વિરુદ્ધમાં ૩૨૫ મત પડ્યા હતા. હાલમાં મોનસુનમાં પ્રગતિ, ગ્લોબલ માર્કેટમાં પ્રવાહ, ટ્રેડવોરને લઇને તંગદિલી, વિદેશી મૂડીરોકાણકારો દ્વારા રોકાણ, ક્રૂડ ઓઇલની કિંમત જેવા અન્ય પરિબળો પણ જોવા મળી શકે છે. ગઇકાલે ગુરૂવારના દિવસે અંતે ૧૨૬ પોઇન્ટ ઉછળીને ૩૬૯૮૫ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં નિફ્ટી ૩૫ પોઇન્ટ ઉછળીને ૧૧૧૬૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. એક વખતે ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન નિફ્ટીએ ૧૧૧૮૫ની સપાટી હાંસલ કરી હતી.  શેરબજારમાં આ પ્રકારની સ્થિતિ હાલ રહી શકે છે.

(12:26 pm IST)