Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ડોકટર દર્દીને તપાસ્યા વગર દવા આપે અને તેનું મૃત્યુ થાય તો એ સદોષ મનુષ્યવધનો ગુનો બને છેઃ હાઇકોર્ટ

રત્નાગિરિના ડોકટર-કપલની જામીન અરજી જજે રિજેકટ કરી

મુંબઇ તા.૨૭: દર્દીને તપાસ્યા વિના જ દવા આપવી એ સજાપાત્ર બેદરકારી હોવાનું જણાવતાં બોમ્બે હાઇકોર્ટે એક ડોકટર-દંપતી દ્વારા કરવામાં આવેલી આગોતરા જામીનની અરજી ગઇકાલે ફગાવી દીધી હતી. આ ડોકટર-દંપતી વિરૂદ્ધ વર્ષનાં પ્રારંભમાં એક મહિલા દર્દીના મૃત્યુ બાદ રત્નાગિરિ પોલીસ-સ્ટેશનમાં આઇપીસીની કલમ ૩૦૪ (સદોષ મનુષ્યવધ) હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જસ્ટિસ સાધના જાધવે ગાયનેકોલોજિસ્ટ ડોકટર-દંપતી દીપા અને સંજીવ પાવસકરની આગોતરા જામીન અરજીની સુનાવણી વેળા આ નિરીક્ષણો કર્યા હતાં અને તેમની જામીનની અરજી નામંજૂર કરી હતી.

પોલીસે જણાવ્યા મુજબ આ મહિલા પેશન્ટને ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં આરોપી ડોકટર-દંપતીની રત્નાગિરિની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સિઝેરિયન ઓપરેશન દ્વારા તેની ડિલીવરી કરાવવામાં આવી હતી. મહિલા અને તેના બાળકની તબિયત સારી હોવાથી બે દિવસ બાદ તેને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી.

જો કે બે દિવસ બાદ મહિલા ફરી બીમાર પડતાં તેના રિલેટિવ્સે ડો. દીપા પાવસકરને ફોન કર્યો હતો. ડોકટર દીપાએ મહિલાના સંબંધીને મેડિકલ સ્ટોરમાં જઇ તેને ત્યાંથી ફોન કરવા જણાવ્યું હતું અને ડો. દીપા પાવસકરે ફોન પર જ કેમિસ્ટ સાથે વાત કરી અમુક દવાઓ આપવાની સૂચના આપી હતી. જો કે એનાથી પણ મહિલાની તબિયત સુધરી નહોતી. મહિલાનાં રિલેટિવ્સ તેને ડો. દીપા પાવસકરની જ હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. મહિલાને હોસ્પિટલમાં લઇ જવામાં આવી ત્યારે ડોકટર-દંપતી ત્યાં હાજર નહોતું. એમ છતાં તેમણે તેનાં રિલેટિવ્સને મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવા જણાવતાં ઉમેર્યુ હતું કે તેને આવતી કાલે રજા આપી દેવામાં આવશે.

બીજા દિવસે મહિલાની તબિયત કથળતાં હોસ્પિટલમાં હાજર ડોકટરોએ તેને અન્ય હોસ્પિટલમાં દાખલ કરી હતી, જયાં તેનું મૃત્યુ થયું હતું. આ બીજી હોસ્પિટલના ડોકટરોએ મહિલાનાં રિલેટિવ્સને જણાવ્યું કે પાવસકર ડોકટર-દંપતીની બેદરકારી લીધે મહિલાનંુ મૃત્યુ થયું હતું. જેના પગલે તેમણે ડોકટર-દંપતી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. (૧.૪)

 

(11:46 am IST)