Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

આજથી વોશિંગ મશીન, રેફ્રિજરેટર ૭-૮% સસ્તા થશે

પસંદગીની વ્હાઇટ ગુડ્ઝ પર GST ૨૮%થી ઘટાડીને ૧૮% કરાતા ભાવ ઘટશે : એપ્લાયન્સીસ કંપનીઓને માંગ વધવાની આશા

નવી દિલ્હી તા. ૨૭ : સરકારે ગયા સપ્તાહે પસંદગીની વ્હાઈટ ગુડ્ઝ પર જીએસટી ૧૦ ટકા ઘટાડી દેતા કન્ઝયુમર ડ્યૂરેબલ ઉત્પાદકોએ કહ્યું છે કે તેઓ આ લાભ તેમના ગ્રાહકોને આપશે અને વોશિંગ મશીન, રેફ્રિજરેટર, સ્મોલ એપ્લાયન્સીઝના ભાવમાં સાતથી આઠ ટકાનો ઘટાડો કરશે.

જીએસટી કાઉન્સિલે ગયા સપ્તાહે સ્મોલ સ્ક્રીન ટીવી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન પર ટેકસ ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરી દીધો છે. નવા રેટ શુક્રવારથી અમલી બનશે. ગોદરેજ એપ્લાયન્સીસના બિઝનેસ હેડ અને એકિઝકયુટિવ વાઈસ પ્રેસિડેન્ટ કમલ નંદીએ કહ્યું હતું કે ફ્રિજ અને વોશિંગ મશીન પર જીએસટી રેટ ઘટાડાતા તેના ગ્રાહકોને ૭-૮ ટકા સુધીનો લાભ મળશે. ગોદરેજ આ ઘટાડાનો લાભ તેના ગ્રાહકોને આપશે. તેમણે કહ્યું કે આ નિર્ણયથી એપ્લાયન્સીસ ઈન્ડસ્ટ્રીને રાહત થશે અને માંગ વધશે.

એલજી ઈન્ડિયાના બિઝનેસ હેડ વિજય બાબુએ કહ્યું હતું કે એલજી સ્પષ્ટપણે જણાવે છે કે તે જીએસટીમાં થયેલા ઘટાડાનો ૧૦૦ ટકા લાભ તેના ગ્રાહકોને ૨૭ જુલાઈથી જ આપવાનું શરૂ કરી દેશે. આ ભાવઘટાડો ૭-૮ ટકાનો રહેશે. પેનાસોનિક ઈન્ડિયા-સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ મનીષ શર્માએ કહ્યું હતું કે તહેવારોની સિઝન નજીક છે ત્યારે જ વ્હાઈટ ગુડ્ઝ પરના જીએસટીમાં ઘટાડો કરાતા આ ઉદ્યોગને બળ મળશે અને તેમાં વૃદ્ઘિ જોવા મળશે. તેમણે કહ્યું કે સૌથી વધારે ફાયદો વોશિંગ મશીન અને રેફ્રિજરેટરમાં થશે. આ બન્નેની માંગમાં નોંધપાત્ર વધારો થશે તેવી આશા છે. ૨૬ ઈંચથી નાના સ્ક્રીનના ટીવી પર પણ ટેકસ ઘટાડાતા નાના શહેરોમાં આવા ટીવીની માંગ વધશે.

ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે જીએસટીએ ૧૫ વસ્તુઓ પર જીએસટી ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરી દીધો હતો, જેમાં વેકયુમ કલીનર, વોશિંગ મશીન, ૬૮ સેમી(૨૭ ઈંચ)સુધીના ટીવી, ફ્રિજ, લોન્ડ્રી મશીન, પેઈન્ટ, હેન્ડ ડ્રાયર, ફૂડ ગ્રાઈન્ડર અને વાર્નિશનો સમાવેશ છે.(૨૧.૧૦)

કન્ઝયુમર ડ્યૂરેબલ્સની આયાત ડયૂટી વધારવા વિચારણા : CBIC

કેન્દ્રીય પરોક્ષ વેરા અને આયાત જકાત (CBIC) બોર્ડે કહ્યું છે કે સ્થાનિક કન્ઝયુમર ડ્યૂરેબલ્સ ઉત્પાદકોના હિતનું રક્ષણ કરવા માટે તે આવી વસ્તુઓની આયાત પર ડ્યૂટી વધારવાની દરખાસ્ત પર વિચારણા કરશે. સ્થાનિક કન્ઝયુમર ડ્યૂરેબલ્સ ઉત્પાદકોએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે આ સેકટરની વસ્તુઓની સસ્તી આયાત પર અંકુશ મૂકવો જોઈએ.

સીબીઆઈસીના ચેરમેન એસ. રમેશને આ અંગે પૂછવામં આવતા તેમણે કહ્યું હતું કે સ્થાનિક ઉદ્યોગોએ કહ્યું છે કે તેમને પ્રોટેકશન(રક્ષણ)ની જરૂર છે. અમારી સમક્ષ જે કોઈ દરખાસ્ત આવી છે તે તમામ દરખાસ્ત પર અમે વિચારણા કરીશું. ઉલ્લેખનીય છે કે જીએસટી કાઉન્સિલે ગયા સપ્તાહે સ્મોલ સ્ક્રીન ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વગેરે વ્હાઈટ ગુડ્ઝ પર ટેકસ ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરી દેવાનો નિર્ણય કર્યો હતો જેનો અમલ ૨૭ જુલાઈએ થશે. આયાતકારો વસ્તુની આયાત કરતી વખતે કસ્ટમ્સ ડ્યૂટી ઉપરાંત ઈન્ટિગ્રેટેડ જીએસટી(IGST) ભરે છે. જીએસટી ઘટતા આઈજીએસટી રેટ પણ ઘટશે. રમેશે સીઆઈઆઈ ઈન્ડસ્ટ્રી મીટને સંબોધન કરતા કહ્યું હતું કે જીએસટી કાઉન્સિલે અનેક વસ્તુઓ પર ટેકસ ઘટાડી દીધો છે અને કરદાતાઓ પર વધારાનો બોજ ઘટાડ્યો છે. તેમણે કહ્યું કે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ વધારવા માટે સરકારના દૃઢ નિર્ધારનો આ નિર્ણય પરથી પરિચય મળે છે. રિટર્ન ફાઈલ કરાવવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવાથી વધુ લોકો ટેકસ ભરશે તેમ તેમણે કહ્યું હતું.

(11:45 am IST)