Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

મેહુલ ચોકસી જ નહી, અન્ય ૨૮ ભારતીયોએ પણ માગી છે એન્ટીગુઆની નાગરિકતા

૬૭ ભારતીયોને મળી ચૂકી છે નાગરિકતા : રોકાણ કરવાથી મળે છે નાગરિકતા

નવી દિલ્હી તા. ૨૭ : ભારતના ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોકસીને એન્ટીગુઆ એંડ બારબુડાની નાગરિકતા આપ્યાના અહેવાલો બાદ આ કેરેબિયન દેશમાં રાજનીતિક ભૂકંપ આવ્યો છે. અહીંના વિપક્ષોએ આ મુદ્દે પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉન પાસે આ મામલે જવાબ માગ્યો છે. ૨૦૧૪થી અત્યાર સુધીના ડેટાનું વિશ્લેષણ કર્યું છે. જેમાં સામે આવ્યું છે કે, ૨૮ અન્ય ભારતીયોએ પણ એન્ટીગુઆની નાગરિકતા માટે અપ્લાય કર્યું છે.

સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ મામલાની તપાસ કરવામાં આવશે કે આ ૨૮ લોકો કોણ છે. આ ૨૮ વ્યકિતઓમાંથી ૭ને ૧ જાન્યુઆરીથી ૩૦ જૂન ૨૦૧૭ની વચ્ચે એન્ટીગુઆની નાગરિકતા મળી ગઈ છે. આ તમામે એન્ટીગુઆમાં ૨ લાખ ડોલરનું રોકાણ કર્યું છે.

એન્ટીગુઆની મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ એંડ કોર્પોરેટ ગવર્નંસ અંતર્ગત આવતા સિટિઝન બાય ઈન્વેસ્ટમેન્ટ યુનિટના એક છ માસિક રિપોર્ટમાં ૭ ભારતીય નાગરિકોને એન્ટીગુઆની નાગરિકતા આપ્યા હોવાની વાત સામે આવી છે. જો કે આ રિપોર્ટમાં નાગરિકતા માટે અપ્લાય કરનારા અન્ય ભારતીયો અંગેની કોઈ ડિટેલ્સ નથી. આ રિપોર્ટ એન્ટીગુઆ એંડ બારમુડા સરકારની સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવ્યો છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, એન્ટીગુઆમાં નાગરિકતા આપવાનો પ્રોગ્રામ શરૂ કર્યા બાદ ૧,૧૨૧ લોકોએ નાગરિકતા માટે એપ્લિકેશન આપી છે. આમાંથી ૨.૫ વ્યકિતઓ ભારતીય નાગરિક છે. આ લિસ્ટમાં સૌથી વધારે ૪૭૮ લોકો ચીનના છે. મેહુલ ચોકસીને પણ એન્ટીગુઆની નાગરિકતા નવેમ્બર ૨૦૧૭માં મળી હતી. રિપોર્ટમાં ભારતના અન્ય એપ્લિકન્ટ્સના નામનો કોઈ ઉલ્લેખ નથી.

જણાવી દઈએ કે એન્ટીગુઆ કોઈ પણ વિદેશી નાગરિકને ડ્યુઅલ સિટિઝનશીપ આપે છે. અહીં નાગરિકતા મેળવવા માટે વિદેશી નાગરિકે નેશનલ ડેવલપમેન્ટ ફંડ (NDF)માં સરકાર માન્ય કોઈપણ રિયલ એસ્ટેટ કે કોઈ અગાઉથી માન્ય બિઝનેસમાં રોકાણ કરવાનું હોય છે. એક વાર એન્ટીગુઆનો પાસપોર્ટ મળ્યા બાદ આ પ્રકારના લોકો ૧૩૨ દેશોમાં વિઝા વિના પ્રવાસ કરી શકે છે અને તેમનું પ્રત્યાર્પણ પણ નથી થઈ શકતું.

એન્ટીગુઆના સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે, ત્યાંના વિપક્ષે વિદેશી નાગરિકોને નાગરિકતા આપવા બદલ સરકાર પાસે જવાબ માગ્યો છે. એન્ટીગુઆના પ્રધાનમંત્રી બ્રાઉનના કાર્યાલયના ચીફ ઓફ સ્ટાફ લિયોનલ મેકસે સ્થાનિક મીડિયાને કહ્યું કે, 'ભારત અને એન્ટીગુઆ વચ્ચે કોઈ પ્રત્યાર્પણ સંધિ નથી પરંતુ ભારત સરકાર દ્વારા નિયમસર વિનંતી કરવામાં આવશે તો કાયદાકીય રીતે શું પગલાં લેવાય તે અંગે વિચાર કરાશે.' એવા અહેવાલો પણ છે કે, એન્ટીગુઆની કેબિનેટ મીટિંગમાં ચોકસીના મુદ્દે ચર્ચા થઈ હતી.

(11:43 am IST)