Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

GST રિટર્ન્સ ફાઇલ કરવાના નવા ફોર્મ્સના ડ્રાફટ સોમવાર સુધીમાં જાહેર કરવામાં આવશે

કવોર્ટર દરમ્યાન જેણે ખરીદી કે વેચાણ કર્યુ ન હોય તેઓ એક sms મોકલીને ફાઇલ કરી શકશે નીલ રિટર્ન્સ

નવીદિલ્હી તા.૨૭: .GST રિટર્ન્સ ફાઇલ કરવા માટેનાં નવાં ફોર્મ્સના નમુના આગામી સપ્તાહના પ્રારંભ સુધીમાં જાહેર કરવામાં આવશે અને એના પર હિતધારકોની ટિપ્પણી આમંત્રવામાં આવશે એમ મહેસુલ ખાતાના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું.

GST કમિશનર ઉપેન્દ્ર ગુપ્તાએ જણાવ્યા મુજબ જેમણે કવોર્ટર દરમ્યાન કોઇ ખરીદી કે વેચાણ કર્યુ ન હોય તેમના માટે નવી રિટર્ન્સ ફાઇલ કરવાની જોગવાઇ હશે અને તેઓ માત્ર એક એસએમએસ પાઠવીને રિટર્ન્સ ફાઇલ કરી શકશે.

નવા રિટર્ન્સ ફોર્મ્સમાં કરદાતાને આગામી વર્ષના સપ્ટેમ્બર સુધીમાં રિટર્ન્સમાં સુધારો કરવાનો વિકલ્પ રહેશે.

કોન્ફડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી દ્વારા યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં ઉપેન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે ' અમે નવાં રિટર્ન્સ ફાઇલિંગ ફોર્મ્સ સોમવાર સુધીમાં જાહેર કરીશું. ઉદ્યોગો એક મહિનાની અંદર એમની ટિપ્પણીઓ મોકલી શકશે. એમની ટિપ્પણીથી સિસ્ટમને વધુ સુધારી શકાશે.'

GST  કાઉન્સીલની બેઠક ગયા સપ્તાહે મળી હતી અને એમાં નવા ફાઇલિંગ ફોર્મને મંજૂર કરવામાં આવ્યું હતું. આ ફોર્મ GSTR-1 અને GSTR-3B રિટર્ન્સ ફોર્મ્સનું સ્થાન લેશે.

મહેસુલ વિભાગ ૨૦૧૯ની પહેલી સુધીમાં નવી ફાઇલિંગ સિસ્ટમ કાર્યરત કરવા માંગે છે.

ઉપેન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે 'GST કાયદામાં સુધારો કાઉન્સિલ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે અને એને સંસદના વર્તમાન ચોમાસુસત્ર દરમ્યાન રજુ કરવામાં આવશે. એ પછી રાજયોની વિધાનસભાઓએ એને મંજૂર કરવાનો રહેશે અને ત્યારબાદ સુધારો અમલી બનશે.'

આ સુધારા પ્રમાણે કમ્પોઝિશન સ્કીમ પ્રાપ્ત કરવા માટેની મર્યાદા એક કરોડ રૂપિયાથી વધારેની ૧.૫૦ કરોડ રૂપિયા કરવામાં આવશે. બીજા સુધારાઓમાં રિવર્સ ચાર્જ મોર્ગેજ મેકેનિઝમમાં સુધારાની જોગવાઇ, ભિન્ન બિઝનેસ વર્ટિકલ્સ ધરાવતી કંપનીઓ માટે અલગ રજિસ્ટ્રેશનની સુવિધા, રજિસ્ટ્રેશન રદ કરવાની જોગવાઇ, રિટર્ન્સ ફાઇલ કરવાનાં અને કન્સોલિડેટેડ ડેબિટ કે ક્રેડિટ નોટ ઇશ્યુ કરવાનાં નવાં ધોરણોનો સમાવેશ થાય છે. ઉપેન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે ' કાઉન્સિલે અગાઉના સર્વિસ-ટેકસ, વેટ, એકસાઇઝ હેઠળ નોંધાયેલા વેપારોને ૩૧ ઓગસ્ટ સુધીમાં વેરા સત્તાવાળાઓને અરજી ફાઇલ કરીને GST પર માઇગ્રેટ કરવાની છૂટ આપી છે. જેઓ માઇગ્રેટ કરશે તેમના પરની રિટર્ન્સ ફાઇલ કરવાની લેટ ફી માફ કરવામાં આવશે અને તેઓ ટ્રન્ઝિશન ક્રેડિટ પણ કલેમ કરી શકશે.'

રાજયો GST સંબંધિત ફરિયાદો જાણવા ટ્રેડર્સનો સંપર્ક કરશે

રાજય અને કેન્દ્રના વેરા અધિકારીઓએ GST સંબંધિત ફરિયાદો અને સમસ્યાઓને સમજવા માટે વેપાર એન ઉદ્યોગની સંસ્થાઓ અને માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME) નો સંપર્ક કરશે અને એની રજૂઆત ૪ ઓગસ્ટે કાઉન્સિલને કરશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેકિસસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ આ સપ્તાહે GST કાઉન્સિલના સેક્રેટરિયેટને લખ્યું હતું કે તેઓ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવે કે તેઓ MSME, વેપારો અને ઉદ્યોગનાં એસોસિએશનોને મળીને એમની ફરિયાદો અને સમસ્યાઓે જાણે અને એને દૂર કરવા માટેના સુચનો પ્રાપ્ત કરે. GST  સેક્રટરિયેટને આ સુચનો અને પ્રતિભાવો CBIC ને મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. એ ઉપરાંત CBIC માં ડિરેકટર જનરલ GST ને દેશભરના GST ઝોન્સમાંથી માહિતી એકત્ર કરી બોર્ડમાંની GST પોલિસી વિંગને આપવાનું જણાવવામાં આવ્યું છે. ૨૯ મીએ GST કાઉન્સિલની બેઠક મળશે, જેમા MSME ને પડી રહેલી મુશ્કેલીઓની અને એને નિવારવાની ચર્ચા કરવામાં આવશે. (૧.૫)

(11:41 am IST)