Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

મરાઠા અનામત આંદોલનના સમર્થનમાં વધુ પાંચ ધારાસભ્યોના રાજીનામા

વિધાનસભાના ૪૦ ટકા સભ્યો છે મરાઠા : ૯ ઓગસ્ટથી આંદોલન થશે તીવ્ર

મુંબઈ તા. ૨૭ : હરિયાણાના જાટ અનામત આંદોલન અને ગુજરાતના પાટીદાર અનામત આંદોલન બાદ મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન ઉગ્ર બન્યું છે. હવે આ આંદોલને ઉગ્ર રાજકિય રૂપ ધારણ કરી લીધું છે. ઉલ્લેખનીય છે કે સરકારી નોકરી અને શિક્ષણ ક્ષેત્રે મરાઠાઓએ ૧૬ ટકા અનામતની માંગણી કરી છે. આ આંદોલનને સમર્થન આપવા માટે ભાજપ અને એનસીપીના બે તથા કોંગ્રેસના એક ધારાસભ્યએ ફડણવીસ સરકાર પર બેપરવાહીનો આરોપ લગાવી પોતાના રાજીનામાં ધરી દીધાં છે.

રાજીનામું આપનાર ભાજપના ધારાસભ્ય સિમા હીરે અને રાહુલ એહર નાશિક જિલ્લાના છે, જયારે એનસીપીના ધારાસભ્ય દત્તાત્રેય ઈન્દપુરના અને રમેશ કદમ મોહોલ-સોલાપુરના છે તથા કોંગ્રેસના ધારાસભ્ય ભરત ભાળકે પંધરપુર-સોલાપુરના છે, શિવસેનાના ધારાસભ્ય હર્ષવર્ધન જાધવ અને એનસીપીના જયદેવ (વૈજાપુર-ઓરંગાબાદ)એ પણ રાજીનામું આપી દીધું છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાના કુલ ૨૨૮ સભ્યો છે જેમાના ૪૦ ટકા એટલે કે ૧૧૪ ધારાસભ્યો મરાઠા છે. આંદોલનકારીઓએ અનામત આંદોલનના સમર્થનમાં તમામ મરાઠા ધારાસભ્યો અને સાંસદ સભ્યોને રાજીનામું આપવાની અપીલ કરી છે. મરાઠાઓના નેતા વિનોદ પાટીલે બોમ્બે હાઈકોર્ટમાં કહ્યું કે, 'મરાઠા સમુદાયને મુખ્યમંત્રી પર ભરોસો નથી રહ્યો.' ચારેય બાજુથી સીએમ દેવેન્દ્ર ફડવણીસ પર પ્રહારો થઈ રહ્યા છે.

મરાઠા નેતા સંજય ભોરે વાતચીતમાં કહ્યું કે, '૯ ઓગસ્ટ પછી આંદોલન વધુ તીવ્ર બની શકે છે. અનામતની માંગણીની સાથે ૫૦થી પણ વધુ રેલી કાઢવામાં આવી હતી. અમે બહુ રાહ જોઈ પણ એવું લાગી રહ્યું છે કે આ મામલે મુખ્યમંત્રી બહુ ગંભીર હોય તેવું નથી જણાઈ રહ્યું. અમે આંદોલન તો શરૂ કરી જ દીધું છે અને ૯ ઓગસ્ટથી પરિવારો સાથે તમામ મરાઠાઓ રસ્તા પર ઉતરી આવશે. જે મરાઠા ક્રાંતિ જન આંદોલન હશે.'(૨૧.૧૫)

(11:39 am IST)