Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

પવાર-માયાવતી-મમતા સક્રિય થયાઃ વિપક્ષો ઉત્સાહિત

કોંગ્રેસે રાહુલની હઠ પડતી મુકવાના સંકેતો આપતા સક્રિય થઈ ત્રિપુટીઃ મમતા કોંગ્રેસના નેતાઓને મળે તેવી શકયતાઃ મમતા દિલ્હી આવે છે

નવી દિલ્હી, તા. ૨૭ :. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની આવતા અઠવાડીયાની દિલ્હી મુલાકાત બહુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તૃણમુલ કોંગ્રેસ તરફથી મળતા સંકેતોથી સ્પષ્ટ છે કે ભવિષ્યના રાજકારણને ધ્યાનમાં રાખીને મમતા હવે બસપા અને સપાથી લઈને એનસીપી જેવા મહત્વના ગણાતા પક્ષોના ઉચ્ચ નેતાઓને રૂબરૂ મળવાનો કોઈ મોકો નહીં છોડે.

ભાજપા-એનડીએને સત્તામાં આવતા રોકવા માટે કોઈપણ ગેર ભાજપા-સંઘના ચહેરાને વડાપ્રધાન બનાવવાનો કોંગ્રેસે આપેલ સંકેત પછી ટીએમસીની સક્રિયતા છેલ્લા બે દિવસમાં ઘણી વધી ગઈ છે. સૂત્રો પ્રમાણે દિલ્હીમાં ટીએમસીની રણનીતિના ઘડવૈયાઓ શરદ પવાર, માયાવતીથી માંડીને સપાના નેતાઓના સંપર્કમાં છે અને મનાઈ રહ્યું છે આવતા અઠવાડીયે પોતાના રાજધાની પ્રવાસ દરમ્યાન મમતા આમાના કેટલાક નેતાઓને રૂબરૂ મળશે.

ટીએમસી તરફથી એવું કહેવાય રહ્યુ છે કે, વિરોધ પક્ષના નેતાઓને કલકત્તામાં મોટા રાજકીય આયોજનનું આમંત્રણ આપશે પણ રાજકીય રીતે તેને મમતાના વિરોધ પક્ષના આગેવાન બનવાની તૈયારી રૂપે ગણવામાં આવી રહ્યુ છે. મમતા કોંગ્રેસના નેતાઓ સાથે પણ વાતચીત કરશે અને એ દરમ્યાન રાજયસભાના ઉપસભા પતિની ચૂંટણી બાબતે પણ ચર્ચા કરશે.

ઉપસભાપતિ પદ એનડીએને ન મળે એ માટે કોંગ્રેસે પોતાનો દાવો છોડીને આ વખતે તૃણમુલ કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપવાનું નક્કી કર્યુ છે. ટીએમસી પ્રમુખ સાથે તેની પસંદના ઉમેદવાર બાબતે નિર્ણાયક ચર્ચા થવાની શકયતા છે. જો કે વિરોધ પક્ષોમાં ખાલી મમતા બેનર્જી જ સક્રિય છે એવું નથી. બસપા પ્રમુખ માયાવતી અને એનસીપી અધ્યક્ષ શરદ પવાર વચ્ચે ૨૦૧૯ની ચૂંટણીની રણનીતિ બાબતે બુધવારે લાંબી ચર્ચા થઈ હતી. આ જ રીતે સોનિયા ગાંધી ચોમાસુ સત્રના છેલ્લા દિવસોમાં વિરોધ પક્ષના ટોચના નેતાઓ માટે ડીનરનું આયોજન કરી રહ્યા છે. આ ડીનર દ્વારા ત્રણ રાજ્યોની ચૂંટણી પહેલા વિપક્ષોની ભાજપા વિરૂદ્ધ એક થવાનો સંદેશ જાહેર કરવાનો પ્રયાસ થશે.(૨-૨)

(11:01 am IST)