Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

૫૬ વર્ષોમાંથી સૌથી ઓછું સંરક્ષણ બજેટ : સંસદીય સમિતિએ લગાવી કેન્દ્રને ફટકાર

કેપિટલ ખર્ચમાં આવેલ ઉણપથી આપણા દળોના આધુનિકરણની પ્રક્રિયા પર વિપરીત અસર પડે છે અને આ આપણા દેશની સુરક્ષામાં ગાબડાઓ પાડવા જેવું અથવા દેશની સુરક્ષા સાથે સમજોતો કરવા જેવું

નવી દિલ્હી તા. ૨૭ : સંસદની એક એસ્ટિમેન્ટ કમિટીએ સંરક્ષણ બજેટમાં લશ્કરી દળો માટે ઉચ્ચતમ ભંડોળ ના ફાળવતા નરેન્દ્ર મોદી સરકારની નિંદા કરી છે અને કહ્યું છે કે, સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે દેશ આ રીતની બેદરકારી સહન ના કરી શકે. ખાસ કરીને ત્યારે જયારે બે મોર્ચાઓ પર યુદ્ઘની સ્થિતિ બનેલી હોય.

ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની અધ્યક્ષતાવાળી એક એસ્ટિમેન્ટ કમિટીએ લોકસભામાં રજૂ કરેલ પોતાની રિપોર્ટમાં રક્ષા બજેટમાં સેનાની ત્રણેય પાંખોને કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) ના ૧.૫૬ ટકા ફાળવણીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ૧૯૬૨નાં ભારત-ચીનના યુદ્ઘ પછી આ બજેટ સૌથી ઓછું છે.

આ નવીનતમ રિપોર્ટ સંરક્ષણ મામલાઓ પર સંસદની સ્થાયી કમિટીની રિપોર્ટના લગભગ ચાર મહિના પછી આવી છે, જેમાં આર્મી, નેવી અને એરફોર્સને પર્યાપ્ત કોષ આપવામાં ના આવ્યો હોવા પર ટીકા કરવામાં આવી છે.

રિપોર્ટમાં હિન્દ મહાસાગરમાં ભારતના પ્રભાવને મજબૂત કરવાની સાથે પાકિસ્તાન અને ચીન સાથે બે મોર્ચાઓ પર સંભવિત યુદ્ઘની દેશની તૈયારીની આવશ્યકતાઓ વિશે પણ વાત કરવામાં આવી છે.

કમિટીએ કુલ સંરક્ષણ સેવા ફાળવણીના ટકાવારીના રૂપમાં 'ઘણી ઓછી' મૂડી ખર્ચને (કેપિટલ ખર્ચ) લઈને પણ સરકારની ટીકા કરી છે. કેપિટલ ખર્ચ હથિયારો, સૈન્ય પ્લેટફોર્મ અને ઉપકરણોની ખરીદી ઉપર થાય છે. આમ કેપિટલ ખર્ચ માટેનું બજેટ પણ ઘણું ઓછું ફાળવવામાં આવ્યું છે.

રિપોર્ટમાં કહ્યું છે કે, 'કેપિટલ ખર્ચમાં આવેલ ઉણપથી આપણા દળોના આધુનિકરણની પ્રક્રિયા પર વિપરીત અસર પડે છે અને આ આપણા દેશની સુરક્ષામાં ગાબડાઓ પાડવા જેવું છે અથવા દેશની સુરક્ષા સાથે સમજોતો કરવા જેવું છે તેમ કહીશું તો પણ કંઈ ખોટું નથી.'

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'અપ્રચલિત શસ્ત્રો'ની જગ્યાએ અત્યાધુનિક હથિયાર ટેકનિકની તત્કાલ આવશ્યકતા છે જેના માટે કેપિટલ બજેટમાં મહત્વપૂર્ણ વૃદ્ઘિ આવશ્યક છે.

કેન્દ્રીય બજેટમાં સરકારે સંરક્ષણ દળો માટે ૨.૯૫ લાખ કરોડ રૂપિયાનું બજેટની ફાળવણી કરી હતી જે જીડીપીના લગભગ ૧.૫૬ ટકા છે. સશ સ્ત્ર બળ ઓછી ફાળવણીને લઈને નારાજ હોય તેવું બતાવવામાં આવી રહ્યું છે.

આનાથી પહેલા સેનાએ સંરક્ષણ મામલાઓ પર બનેલ સ્થાયી કમિટીએ કહ્યું હતુ કે, તે ગંભીર નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહી છે અને બે મોર્ચાઓ પર યુદ્ઘની સ્થિતિવાળી આશંકાના પગલે હથિયારોની ખરીદી કરવા માટે પણ સંઘર્ષ કરી રહી છે. તે સાથે જ કહ્યું કે ચીન અને પાકિસ્તાન પણ પોતાના સુરક્ષા દળોને આધુનિકીકરણ કરી રહ્યાં છે.

આ કમિટીએ તે પણ કહ્યું હતું કે, મંત્રાલય હથિયારો અને સેના સાથે જોડાયેલ સામાન ખરીદવાની પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબને રોકવા માટે પગલા ભરે.

સેનાએ કમિટીને તે પણ જણાવ્યું હતુ કે, તેની પાસે મેક ઈન ઈન્ડિયા ઈનિશિએટિવ હેઠળ ૨૫ પ્રોજેકટ્સ છે પરંતુ તેમના પર કામ કરવા માટે પર્યાપ્ત બજેટ નથી. જેના કારણે આમાંથી ઘણા બધા પ્રોજેકટો અધૂરા છોડીને ખત્મ કરવામાં આવે છે.

આના પર ભાજપા સાંસદ બીસી ખંડૂરીની અધ્યક્ષાવાળી સંસદની સ્થાયી કમિટીએ પણ સરકારને સુરક્ષા દળોને આર્થિક સંસાધોનને અપર્યાપ્ત ફાળવણી પર કડક ફટકાર લગાવી હતી.

આ એસ્ટિમેન્ટ કમિટીએ તે ભલામણ કરી છે કે, મંત્રાલય ખરીદ પ્રક્રિયામાં થઈ રહેલ વિલંબ માટે બધા જ મહત્વપૂર્ણ હિતધારકો સાથે મળીને એક સંગઠિત તંત્રની રચના કરીને યોગ્ય પગલા ભરી શકે છે.

તે સાથે જ આ કમિટીએ ડીઆરડીઓના વિભિન્ન પ્રોજેકટમાં થઈ રહેલ વિલંબ માટે પણ ફટકાર લગાવતા કહ્યું કે, આ સંસ્થાઓને 'સ્પષ્ટ હેતુંઓ' સાથે હથિયાર અને પ્લેટફોર્મ વિકસિત કરવાની જરૂરત છે.

કમિટીએ પોતાની રિપોર્ટમાં કહ્યું, 'કમિટિનું માનવું છે કે, ડીઆરડીોના કામકાજની રીતમાં બધી જ રીતે ફેરફારની જરૂરત છે, સાથે જ દેશની આવશ્યકતાઓના સંદર્ભમાં આના યોગદાનને બીજી વખત તપાસવાની આવશ્યકતા છે.'

કમિટીએ તે પણ કહ્યું કે, તમને તે જાણીને ખુબ જ આશ્ચર્ય થયું કે, ભારત ના માત્ર મોટા હથિયાર પરંતુ પ્રાથમિક પાયાના સંરક્ષણ હથિયારો માટે પણ વિદેશી સપ્લાય પર નિર્ભર છે. આ કમિટીએ તે પણ કહ્યું કે દેશને યુદ્ઘ માટે તૈયાર રહેવું જોઈએ અને આર્મી, નેવી અને એર ફોર્સે એકસાથે મળીને કામ કરવું જોઈએ.(૨૧.૭)

(9:37 am IST)