Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ભારતીય સેના કોઇપણ પડકારને પહોંચી વળવા માટે સંપૂર્ણ સક્ષમ

કારગિલ દિવસના પ્રસંગે લેફ્ટી જનરલ રણબીરસિંહની ખાતરી : ચીન સાથેની વાસ્તવિક અંકુશરેખા અને પાકિસ્તાન સાથેની અંકુશરેખા ઉપર કોઇપણ ગતિવિધિને પહોંચી વળવાની તૈયારી : સેનાનું આધુનિકીકરણ જારી

દ્રાસ, તા. ૨૬ : નોર્થન આર્મી કમાન્ડર લેફ્ટી જનરલ રણબીરસિંહે કારગિલ વિજય દિવસના પ્રસંગે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ આજે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ભારતીય સેના ચીન સાથેની વાસ્તવિક અંકુશરેખા અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર કોઇપણ પડકારોને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. તેમણે ઉમેર્યુ હતું કે, ભારતીય સેના સંપૂર્ણપણે આના માટે તૈયાર રહે ચે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય સશસ્ત્ર દળોના આધુનિકીકરણની પ્રક્રિયા મોટાપાયે ચાલી રહી છે. ઓપરેશનલ તૈયારીઓને પણ વ્યવસ્થિત કરવામાં આવી છે. કાશ્મીરમાં સ્થિતિ બિલકુલ સ્થિર હોવાની તેમણે વાત કરી હતી. રણબીરસિંહે કહ્યું હતું કે, ભારતીય સેના અંકુશરેખા અને વાસ્તવિક અંકુશરેખા ઉપર કોઇપણ પડકારને પહોંચી વળવામાં સક્ષમ છે. છેલ્લા ૧૯ વર્ષના ગાળામાં જ્યાં સુધી ભારતીય સશસ્ત્ર દળોના આધુનિકીકરણની વાત છે મોટાપાયે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે એવા ચોક્કસ વિસ્તારો ઉપર ધ્યાન આપી રહ્યા છે જેમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. વધારે આધુનિક બનવાની જરૂર છે. અંકુશરેખા અને  વાસ્તવિક અંકુશરેખા પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના સ્વરુપમાં ગતિવિધિ પર ધ્યાન આપી રહ્યા છે. નાઇટરિઝન કેપેબેલિટી, બાજ નજર રાખવની ક્ષમતા, નાઇટ ફાઇટિંગ કેપેબેલિટીને વિકસિત કરવા ઉપર ધ્યાન આપી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સેનાની તાકાતને અનેકગણી વધારવામાં આવી છે. ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મી દ્વારા એલએસી ઉપર હાલની ગતિવિધિને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, જુદા જુદા મુલ્યાંકનના આધાર પર આ પ્રકારની ગતિવિધિ ચાલતી રહે છે. મોટાભાગના પ્રસંગે એવા અહેવાલ આવ્યા છે કે, ચીનની સેના એલએસી ઉપર મોટાભાગના વિસ્તારોમાં અતિક્રમણ કરતી રહે છે પરંતુ આ પ્રકારની ચિની સેનાની ગતિવિધિ એવા વિસ્તારમાં થાય છે જ્યાં એલએસીને લઇને મતભેદોની સ્થિતિ છે. એલએસીને ડી લાઈનને લઇને દુવિધાભરી સ્થિતિ છે. આવી જ રીતે જ્યારે અમે ચીની સત્તાવાળાઓ સાથે વાત કરીએ છીએ ત્યારે તેમની પ્રતિક્રિયા આવી રહે છે. આર્મી કમાન્ડરે કહ્યું હતું કે, આ પ્રકારના વિવાદોને ઉકેલવા માટે યોગ્ય વ્યવસ્થા સ્થાપિત થઇ ચુકી છે જેના પરિણામ સ્વરુપે ખેંચતાણ ચાલી રહી નથી. ફોરવર્ડ પોસ્ટ વચ્ચે હોટ લાઈન પરની બેઠકો અને ફ્લેગ મિટિંગો પણ યોજાતી રહે છે. આ ઉપરાંત બોર્ડર જવાનોની બેઠક પણ યોજાતી રહે છે. ઉચ્ચ સ્તર પર વ્યવસ્થા કામ કરી રહી છે. સર્વોચ્ચ સ્તરે બંને દેશોના ખાસ પ્રતિનિધિઓ પણ રહેલા છે જે સરહદી મુદ્દાઓના ઉકેલ માટે સતત કામ કરતા રહે છે. સિંહે કહ્યું હતું કે, અમારા લાભમાટે આ પ્રકારની વ્યવસ્થાનોઅમે ઉપયોગ કરી રહ્યા છે. લેફ્ટી જનરલ સિંહે પાકિસ્તાનમાં ચૂંટણી બાદ ઉભી થયેલી સ્થિતિના સંદર્ભમાં કોઇ પ્રતિક્રિયા આપી ન હતી. પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટી તહેરીકે ઇન્સાફ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે.  તેમણે કહ્યું હતું કે, આ મામલો પાકિસ્તાની લોકોનો અને પાકિસ્તાની સત્તાવાળાઓનો છે. પાકિસ્તાનની અંદર રહેલા પડકારોને તેઓ કઈરીતે હાથ ધરે છે તે તેમના માટેની બાબત રહેશે. લેફ્ટી જનરલ સિંહે કહ્યું હતું કે, એલઓસી ઉપર જ્યાં સુધી ભારતીય સેના સામે રહેલા પડકારોની વાત છે અમે કહેવા માંગીએ છીએ કે, ભારતીય સેના સંપૂર્ણપણે તૈયાર છે. કોઇપણ સ્થિતિને સફળતાપૂર્વક પાર પાડી શકે છે. કોઇપણ પ્રકારની મુવમેન્ટ અને કોઇપણ પ્રકારના દુસાહસને જડબાતોડ જવાબ આપવામાં આવશે. ભારતીય સેના સંપૂર્ણપણે સજ્જ અને કુશળ છે. નૈતિક જુસ્સો હંમેશા આસમાન ઉપર રહે છે. કારગિલ યુદ્ધ બાદ પાકિસ્તાનના રાજકીય ઘટનાક્રમનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, અમારી તૈયારી ઉપર તેની કોઇપણ પ્રકારની અસર નથી. કાશ્મીરમાં સ્થિતિ બિલકુલ સ્થિર છે. ૨૦૧૮માં હિંસાના જે પરિબળો દેખાયા હતા તે ૨૦૧૭ની સરખામણીમાં હવે નબળા પડ્યા છે. આ વર્ષે પથ્થરમારાની ઘટનાઓ ઘટી છે. સ્થાનિક યુવાનોના દિમાગમાં ઉશ્કેરણીની ગતિવિધિ ઘટી છે. વાસ્તવિકતા સમજી રહ્યા છે. લેફ્ટી જનરલસિંહે એમ પણ કહ્યું હતું કે જ્યારે પણ પાકિસ્તાન હથિયારો અને ત્રાસવાદીઓને ફંડ આપે છે ત્યારે સ્થિતિ વણસે છે. કેટલાક બનાવો એવા બની જાય છે જેના લીધે સ્થિતિ વધુ ઘાતક બને છે.

(12:00 am IST)