Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

તાજના સંરક્ષણને લઇ સુપ્રીમ લાલઘૂમ : સરકારને ફટકાર

વિઝન ડોક્યુમેન્ટને લઇને નારાજગી વ્યક્ત કરી : હાલ તાજમહેલ સુરક્ષા માટે કોણ જવાબદાર છે તે સંદર્ભે ખુલાસો કરવા સુપ્રીમે સોમવાર સુધીની આપેલી મહેતલ

નવી દિલ્હી,તા. ૨૬ : તાજમહેલના સંરક્ષણને લઇને સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ અને કેન્દ્ર સરકારને આજે ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તાજમહેલના સંરક્ષણ માટે કોઇપણ પગલા લેવામાં આવી રહ્યા નથી. ઉત્તરપ્રદેશ સરકાર તરફથી તાજમહેલને લઇને વિઝન ડોક્યુમેન્ટ માટે ડ્રાફ્ટ રજૂ કરવાને લઇને કોર્ટે કહ્યું હતું કે, અહીં કોઇ નાટક થઇ રહ્યું નથી. આટલા લાંબા ગાળા બાદ પણ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવે છે તો કમનસીબ બાબત છે. આમા ફરીથી સુધારા કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન રજૂ થયેલા આગરાના ડીએમને જોરદાર ફટકાર લગાવી હતી. કોર્ટે ડીએમને કહ્યું હતું કે, અહીં કોઇ મજાક કે નાટક થઇ રહ્યું નથી. તાજમહેલની સુરક્ષા માટે કોણ જવાબદાર છે તેને લઇને સોમવાર સુધી સ્પષ્ટ કરવામાં આવે તે અંગે કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ સરકારને આદેશ કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ લોકુરે કહ્યું હતું કે, એક ઓથોરિટી રહે તે ખુબ જરૂરી છે જે આની જવાબદારી લઇને આગળ વધે તે જરૂરી છે. એમ લાગે છે કે જાણે ઓથોરિટીએ તાજને લઇને હાથ ધોઈ કાઢ્યા છે. અમે એવી સ્થિતિમાં પહોંચ્યા છીએ કે, એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરી રહ્યા છે જેમાં એએસઆઈની કોઇપણ પ્રકારની ભૂમિકા નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ સરકારને આદેશ આપ્યો હતો કે, તે આના માટે અધિકારીઓ અને ઓથોરિટીની નિમણૂંક કરે અને તાજમહેલની જાળવણી માટે કામ કરી શકે. તાજ ટ્રેપેઝિયમ ઝોનને ફરીથી વિકસિત કરવાની પણ વાત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની ઉત્તરપ્રદેશ સરકારને ફટકાર બાદ અનેક પ્રકારના તર્કવિતર્કોના દોર શરૂ થયા છે. ઉત્તરપ્રદેશ સરકાર તાજમહેલને લઇને ગંભીર દેખાઈ રહી છે. તેને લઇને પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. તાજમહેલની જાળવણી અને સંરક્ષણને લઇને પહેલા પણ સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી હતી.

(12:00 am IST)