Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

કોઇ પણ સમયે મુખ્યપ્રધાન બની શકે છે : હેમા માલિની

હેમા માલિનીના નિવેદનથી નવો વિવાદ થયો : ફ્રી મુવમેન્ટ રોકાઈ શકે જેથી મુખ્યપ્રધાન બનવા ઇચ્છુક નથી : રાજસ્થાનના બાંસવાડા ખાતે કાર્યક્રમમાં પ્રતિક્રિયા

જયપુર, તા. ૨૬ : ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને લોકપ્રિય અભિનેત્રી હેમા માલિનીનું કહેવું છે કે, તે જ્યારે ઇચ્છે ત્યારે મુખ્યમંત્રી બની શકે છે પરંતુ તેમની ઇચ્છા નથી. કારણ કે, તેઓ જવાબદારીમાં બંધાઈ જવા ઇચ્છુક નથી. હેમા માલિનીના આ પ્રકારના નિવેદનને લઇને વિવાદ પણ સર્જાઈ ગયો છે. ઉત્તરપ્રદેશના મથુરાથી ભાજપના સાંસદ અને બોલીવુડ અભિનેત્રી બાંસવાડાના પ્રવાસ દરમિયાન આ પ્રકારની પ્રતિક્રિયા આપતી નજરે પડી હતી. જો તક મળે તો મુખ્યમંત્રી બનશે કે કેમ તે અંગે પુછવામાં આવતા આ મુજબની વાત હેમા માલિનીએ કરી હતી. હેમા માલિનીએ એમ પણ કહ્યું હતુ ંકે, તેમને મુખ્યમંત્રી બનવાની ઇચ્છા નથી. ફ્રી મુવમેન્ટ રોકાઈ ન જાય તે માટે મુખ્યમંત્રી બનવા ઇચ્છુક નથી. અભિનેત્રીએ કહ્યું હતું કે, પોતાના મત વિસ્તારમાં ઘણા બધા વિકાસના કામો કર્યા છે. કૃષ્ણનગરીના બ્રજવાસીના લોકો માટે તે ઘણા કામ કરી ચુકી છે. તેમને બોલીવુડમાં મળેલી લોકપ્રિયતાના કારણે ઓળખવામાં આવે છે. સાંસદ બનતા પહેલા પાર્ટી માટે તે ઘણા કામ કરી ચુકી છે. સાંસદ બન્યા બાદ હવે લોકો માટે કામ કરવાની તક મળી રહી છે. છેલ્લા ચાર વર્ષના ગાળામાં પોતાના મતવિસ્તારમાં માર્ગ નિર્માણ સહિતના વિકાસ કામો હાથ ધર્યા છે. ૬૯ વર્ષીય હેમા માલિનીએ વડાપ્રધાન નરેેન્દ્રમોદીના કાર્યની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, તેઓએ ગરીબી, ખેડૂતો, મહિલાઓના કલ્યાણ માટે ઘણા કામ કર્યા છે. દેશના નેતૃત્વ હાલમાં સફળ વ્યક્તિના હાથમાં છે. તેમણે ઉમેર્યું હતું કે, મોદી જેવા વડાપ્રધાન દેશને મળ્યા છે તે ગર્વની બાબત છે. દેશ માટે સૌથી વધુ કામ કોણે કર્યું છે તે જોવાની બાબત મહત્વપૂર્ણ છે.

(12:00 am IST)