Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

પંજાબ ઘાતક પ્લાટૂનનો શહીદ ગુરતેજે ૧૨ ચીની સૈનિકોને ખતમ કરીને શહીદી વ્હોરી

ચીની સૈનિકો ઘૂસ્યા ત્યારે જવાન પાસે હથિયાર ન હતું : ૧૫મી જૂને ચીનાઓની ગલવાનમાં દગાબાજી સામે થર્ડ પંજાબ ઘાતક પ્લાટનના જવાંમર્દે અદભુત વીરતા બતાવી

નવી દિલ્હી, તા. ૨૭ : લદ્દાખની ગલવાન ખીણમાં ચીનના પિપલ્સ લિબરેશન આર્મી(પીએલએ) દ્વારા દગાખોરીથી કરવામાં આવેલા હુમલામાં ભારતના ૨૦ જવાંમર્દ સૈનિકોએ માભોમ માટે આહુતિ આપી દીધી હતી. જવાનોમાં એક થર્ડ પંજાબ ઘાતક પ્લાટૂનનો શહીદ ગુરતેજસિંઘ પણ છે. ગુરતેજ ફક્ત ૨૩ વર્ષનો હતો અને શહીદી વહોરનારો સૌથી નાની વયનો તે જવાંમર્દ છે. મીડિયમ આર્ટિલરી રેજિમેન્ટના જવાન પાસે ચીનના સૈનિકો જ્યારે ભારતની ધરતી પર ઘુસી આવ્યા ત્યારે કોઈ હથિયાર નહોતું. ગલવાન ખીણમાં પૂરતી તૈયારી સાથે આવેલા ચીની સૈનિકો સામે લડવા માટે તેમની પાસે એકમાત્ર હથિયાર તેમની ધાર્મિક કિરપાણ હતી. તે ઉપરાંત, થોડી લાકડીઓ, લોખંડના રોડ અને ધારદાર ચપ્પુ તેમની પાસે હતાં.

        ગુરતેજ તેના સાથી સૈનિકો સાથે બોલે સો નિહાલ સત શ્રી અકાલ કરીને ચીનના અત્યંત ક્રૂર એવા સૈનિકો સામે જવાંમર્દીથી લડ્યો અને તેણે ચાર ચાઈનીઝ સૈનિકને તો ત્યાંજ પૂરા કરી દીધા. જોકે, તે વખતે ગુરતેજે તેનું સંતુલન ગુમાવી દીધું અને તે સરકી ગયો અને તેને બાજુનો મોટો પથ્થર વાગ્યો. જોકે, તે નીચે ખીણમાં પડ્યો નહીં. ગુરતેજના ગળામાં અને માથામાં સખત વાગ્યું હતું. ગુરતેજે તેમ છતાં તેની પાઘડી બાંધી અને ફરી પાછો તે ચીનાઓ સામે લડવા માટે બેઠો થઈ ગયો. ગુરતેજની જવાંમર્દીની વાત તેના આર્મી ઓફિસરોએ કરી છે.

        અધિકારીઓ કહે છે કે ગુરતેજે તેના જીવ હતો ત્યાં સુધી ચીનના સૈનિકો સામે બાત ભીડી અને તેની કિરપાણ વડે ઘણાં ચીનાઓને ભોંયભેગા કરી દીધા. તે પછી ચીની સૈનિકો પાસે હતું તે ધારદાર હથિયાર તેણે લઈ લીધું. રીતે ગુરતેજે કુલ સાત ચીની સૈનિકોને ખતમ કરી નાંખ્યાં. તેની પર જે ચીનાએ હુમલો કર્યો હતો તેને પણ તેણે કિરપાણ હુલાવી પતાવી દીધો હતો, તેમ આર્મીના સૂત્રો કહે છે.

        ફાઈટ જ્યારે પૂરી થઈ ત્યારે ગુરતેજે ૧૨ ચીનાઓને ખતમ કરી નાંખ્યાં હતાં. જોકે, તે હવે નિષ્પ્રાણ થઈ ગયો હતો. થર્ડ ઘાતક રેજિમેન્ટના જવાનોએ ગુરતેજના શરીરને પોતાના કબજામાં લઈ લીધું હતું. ગુરતેજના મૃતદેહને પંજાબ લાવવામાં આવ્યો ત્યારે સમગ્ર રાજ્ય હિબકે ચઢ્યું હતું.

        દેશ માટે કુરબાન થવાની પંજાબીઓની પહેલી ગાથા નથી. લેફ્ટનન્ટ જનરલ હરિન્દરસિંઘે ૧૫મી જૂને ચીનાઓને ૧૯૭૯માં તેઓ વિયેતનામમાં જે શીખ્યા હતા તે પદાર્થપાઠ શીખવાડ્યો હતો.

(9:41 pm IST)