Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે આત્મસમર્પણ કરી દીધું : રાહુલ ગાંધી

ચીનના મુદ્દા બાદ હવે કોરોના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો : ભારત સરકારની પાસે કોરોના પર કાબુ મેળવવા માટેની કોઈ યોજના નથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે મૌન ધારણ કરી લીધું હોવાનો કોંગ્રેસ નેતાનો આક્ષેપ

નવી દિલ્હી, તા. ૨૭ : લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન સાથેની હિંસક અથડામણમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થવાના મામલા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી સતત જવાબ માગ્યા બાદ શનિવારે તેમણે કોરોના વાયરસના સંક્રમણનો પ્રશ્ન છંછેડ્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે કોરોનાની પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટેની કોઈ યોજના છે નહીં. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, કોરોના વાયરસ દેશના નવા હિસ્સાઓમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારત સરકારની પાસે તેના પર કાબુ મેળવવા માટેની કોઈ યોજના નથી.

            વડાપ્રધાને મામલે મૌન ધારણ કરી લીધું છે. તેમણે કોરોના વાયરસની મહામારીની સામે આત્મસમર્પણ કરી દીધું છે અને તેને કાબુમાં લેવા માટેનો ઈનકાર કરી દીધો છે. રાહુલ ગાંધીએ કોરોના વાયરસના મામલે મોદી સરકાર પર એવા સમયમાં પ્રહાર કર્યા છે કે જ્યારે દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા પાંચ લાખ નજીક પહોંચી ચૂકી છે. તેવામાં બીજી તરફ વડાપ્રધાન મોદી કહી રહ્યા છે કે ખબર નહીં બીમારીમાંથી આપણને ક્યારે છૂટકારો મળશે. નોંધનીય છે કે લદ્દાખમાં ચીને જમાવેલા પગદંડા અંગે કોંગ્રેસે શુક્રવારે પણ મોદી સરકાર પર પ્રહારો ચાલુ રાખ્યા હતા.

            કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મોદી સરકારને સીધો સવાલ કરતાં કહ્યું હતું કે, તેઓ લદ્દાખની ચીને પચાવી પાડેલી જમીન પાછી ભારતને ક્યારે લઈ આપશે તે જણાવે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર ચીન સાથેની આપણી સરહદ પર સુરક્ષાના મામલે પોતાના હાથ અધ્ધર કરી શકે નહીં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખમાં જે કંઈ પણ બન્યું તે મુદ્દે દેશને વિશ્વાસમાં લેવો જોઈએ. સોનિયા ગાંધીએ કોંગ્રેસ પાર્ટી દ્વારા ચીન સામે લડતા લડતાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિના અભિયાન અંતર્ગત વીડિયો સંદેશમાં જણાવ્યું કે, વડાપ્રધાને એવો દાવો કર્યો હતો કે ચીને આપણે જમીન પર કબ્જો નથી કર્યો, તો પછી શા માટે આપણા ૨૦ જેટલા જવાનો શહીદ થયા? કોંગ્રેસ દ્વારા દેશભરમાં આજે ગલવાન વેલીમાં ચીન સરહદ પર સુરક્ષામાં તૈનાત વીર શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.

(7:22 pm IST)