Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

બિહાર, પ.બંગાળ, સિકકીમ, આસામ, મેઘાલય, યુ.પી., પૂર્વ રાજસ્થાનમાં વરસાદ પડશે

છતિસગઢ, ઓરીસ્સા, તેલંગાણા, કર્ણાટક, કેરળ, કોંકણ, ગોવામાં પણ આગાહી

નવી દિલ્હીઃ નેઋત્ય ચોમાસાએ દેશભરમાં સમય કરતાં ૧૨ દિવસ પહેલા દસ્તક દઈ દીધુ છે. બિહાર, યુ.પી., ઝારખંડમાં જોરદાર વરસાદનો રાઉન્ડ ચાલુ છે. તો દિલ્હી, હરીયાણા, રાજસ્થાનના અમુક ભાગોમાં તોફાની  પવન સાથે મધ્યમ વરસાદ ખાબકયો હતો. આગામી ૨૪ કલાકમાં દેશના અનેક ભાગોમાં આંધી તોફાન સાથે ભારે વરસાદની હવામાન વિભાગે ચેતવણી આપી છે.

સ્કાયમેટના જણાવ્યા અનુસાર આગામી ૨૪ કલાકમાં બિહાર, પશ્ચિમ બંગાળ, સિકિકમ, આસામ, મેઘાલય, ઉત્તરપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. ઝારખંડ, રાયલસીમા, દક્ષિણના દરિયાઈ આંધ્રપ્રદેશ, તામિલનાડુના અમુક ભાગો અને પંજાબના અમુક ભાગો તેમજ છતિસગઢના અમુક ભાગ, ઓરીસ્સા, તેલંગાણા, કર્ણાટક, કેરળ અને કોંકણ, ગોવામાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે.

જયારે ઉત્તરાખંડ, હરીયાણાના અમુક ભાગો, દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગોમાં મધ્યમ વરસાદ પડી શકે છે.

બિહારમાં ચોમાસુ સક્રિય થઈ ગયુ છે. છેલ્લા બે દિવસથી ભારે વરસાદનો દોર જારી છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આગામી ૭૨ કલાક ભારે વરસાદનો દોર જારી રહેશે.

(3:37 pm IST)