Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

પાર્ટીમાં આવકારી કોંગ્રેસ પર પ્રહાર કરતા જીતુ વાઘાણી

કોંગ્રેસ છોડનારા પાંચ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં : પેટાચૂંટણીમાં ટિકીટ નક્કી

બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, અક્ષય પટેલ અને જે.વી. કાકડિયાએ કેસરીયા ખેસ પહેર્યા : ૩ પૂર્વ ધારાસભ્યો સોમાભાઇ પટેલ, મંગળભાઇ ગામિત અને પ્રવીણ મારૂ ભાજપમાં ન જોડાયા : ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્યોના વિસ્તારના ભાજપના આગેવાનોને હાજર રાખી સંતોષનો માહોલ દેખાડવાનો પ્રયાસ : ભાજપના પ્રદેશ પ્રમુખ કહે છે ચૂંટણી લડવાની કોઇની લાગણી હોય શકે પણ કોઇને વચન અપાયું નથી : ટિકીટનો નિર્ણય કેન્દ્રીય સંસદીય બોર્ડ કરશે

આજે ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પાંચ પૂર્વ કોંગી ધારાસભ્યોને ભાજપમાં આવકારેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ, તા. ૨૭ :. રાજ્યસભાની ચૂંટણી પૂર્વે બે તબક્કે કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપનારા ૮ આગેવાનો પૈકી ૫ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. તે તમામની પેટાચૂંટણીમાં ટિકીટ નક્કી હોવાનું જાણવા મળે છે. બાકીના ૩ પૂર્વ ધારાસભ્યો સોમાભાઈ પટેલ, પ્રવીણ મારૂ, મંગળભાઈ ગામીત ભાજપમાં જોડાયા નથી. તેમના રાજકીય ભાવિ અંગે કોઈ જાહેરાત થઈ નથી. પ્રવીણ મારૂ પેટાચૂંટણી લડવા માંગતા નથી.  આજે પાંચ પૂર્વ ધારાસભ્યોને જીતુ વાઘાણી, ભરત પંડ્યા વિગરેેએ પ્રદેશ કાર્યાલય ખાતે કેસરીયા ખેસ પહેરાવી આવકાર્યા હતાં.

આજે ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્યોમાં બ્રિજેશ મેરજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, અક્ષય પટેલ, જે.વી. કાકડિયા અને જીતુ ચૌધરીનો સમાવેશ થાય છે. આ પાંચેય આવતી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે આવે તેવા એંધાણ છે. આજે બપોરે પ્રદેશ ભાજપ કાર્યાલય ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં કેસરીયો ખેસ પહેરાવવાની તૈયારી થઈ રહી છે. સપ્ટેમ્બર પ્રારંભ સુધીમાં ૮ બેઠકોની પેટાચૂંટણી આવવા પાત્ર છે. જેમાં કપરાડા, ડાંગ, નખત્રાણા, કરજણ, ગઢડા, ધારી, મોરબી, લીંબડી બેઠકનો સમાવેશ થાય છે.

(2:50 pm IST)