Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

સામાકાંઠે એન્ટ્રીઃ ૪ નવા કેસઃ ૧ મોત

રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ડીનની ઓફિસના બે કર્મચારીનો મોડી રાત્રે કોરોના પોઝિટિવ જાહેર થતાં દોડધામઃ ડીન હોમ કવોરન્ટાઇન : કોરોનાનો કોળીયો બનેલા કનકનગરના રેણુકાબેન ઝીંઝુવાડીયા (ઉ.વ.૫૫) ડાયાબિટીશ, બી.પી અને કીડની સહિતની બિમારીથી ઘેરાયેલા હતાં: તેમના પતિ સિવિલ હોસ્પિટલના કર્મચારીઃ નવા કેસમાં મવડી રામેશ્વર સોસાયટી, રેલનગર કોપર ગ્રીનસીટી, કનકનગર અને રણછોડનગર વિસ્તારનો સમાવેશઃ અત્યાર સુધીમાં કુલ ૬ મોત : મારો કોરોના ટેસ્ટ નેગેટીવ આવેલ છેઃ ડો.ગૌરવીબેન ધ્રુવ : રાજકોટમાં કોરોનાનો આંક ૧૫૧નો થયો : કોરોનાના લક્ષણો જણાતા નથીઃ આમ છતા મે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવડાવ્યા છેઃ ડો.ગૌરવીબેન ધ્રુવ

શહેરનાં મવડી, રેલનગર, સંત કબીર તથા પેડક રોડ સહિતના વિસ્તારમાં કોરોના કેસ નોંધાતા મ્યુ. કોર્પોરેશનનાં નાયબ આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા વિસ્તારમાં આરોગ્ય સર્વે અને કોરોન્ટાઇનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ર૭ :.. શહેરમાં ગઇકાલે ૭ રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આજે મવડીની રામેશ્વર સોસાયટી, રેલનગરનાં કોપરગ્રીન સીટી, રણછોડનગર, સંત કબીર રોડનાં કનકનગર સહિતના વિસ્તારમાં નવા ૪ પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે અને કનકનગરનાં મહિલાનો રીપોર્ટ પોઝીટીવ જાહેર થતાની સાથે જ તેમનું સીવીલ કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર દરમિયના મૃત્યુ થયુ હતું. આજે નવા ૪ કેસ નોંધાતા શહેરનો કુલ આંક ૧પ૧ થયો છે.  જયારે મૃત્યુ આંક ૬ એ પહોંચ્યો છે.

આજરોજ રાજકોટ શહેરમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ કેસની વિગત આ મુજબ  છે. જેમાં અશોકભાઇ કરમશીભાઇ રામાણી (ઉ.વ.૪ર),  વિધિ રણછોડનગર નં. ર૮, પેડક રોડ, તથા કિરીટભાઇ નરોતમભાઇ સરધારા (ઉ.વ. પર), રામેશ્વર મવડી ચોકડી, ખાતે રહે છે. તેઓ પીડીયુ (સીવીલ) હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેમજ પરીમલભાઇ ચંપકભાઇ શુકલા (ઉ.વ.૩૦), રેલનગર, કોપર ગ્રીન સીટી, ખાતે રહેતા અને પીડીયુ (સીવીલ) હોસ્પિટલમાં ફરજ બજાવે છે. સહિતનાનો સમાવેશ થાય છે.

કોરોનાએ વધુ એકનો ભોગ લીધો

જયારે શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં સંતકબીર રોડ પરનાં કનકનગરમાં રહેતા રેણુકાબેન જયવંતભાઇ ઝીંઝુવાડીયા(ઉ.વ-૫૫)ને કોરોના પોઝિટિવ જાહેર થતાની સાથે જ તેમનું સિવલ કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મુત્યુ થયુ હતુ. તેમના પતિ સીવીલમાં ફરજ બજાવે છે. આરોગ્ય તંત્રનાં જણાવ્યા પ્રમાણે રેણુકાબેને ડાયાબીટસ, બી.પી અને કીડની સહિતાનાં રોગોથી ઘેરાયેલા હતા અને કોરોના જીવલેણ નીવડયો હતો. શહેરમાં મુત્યુનો આંક ૬એ પહોંચ્યો છે.

મેડીકલ કોલેજનાં ડીન કોરોન્ટાઇન

શહેરની પીડીયુ મેડીકલ કોલેજનાં ડીન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં સભ્ય ડો.ગૌરવીબેન ધ્રુવના સહાયક સહિતનાં કોલેજનાં ત્રણ કર્મચારીઓને કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અકિલા સાથેની વાતચીતમાં ડો.ગૌરવીબેન ધ્રુવએ જણાવ્યુ હતુ કે,  કોરોનાના લક્ષણો જણાતા નથી પરંતુ સાવચેતીનાં ભાગરૂપે આજે સેમ્પલ કરાવતા રિપોર્ટ નેગેટીવ આવેલ છે.  તેઓ હોમ કોરોનટાઇન થયા છે.

૧૦૯ દર્દીઓ સાજા થયા

શહેરમાં આજની સ્થિતિએ કુલ ૧પ૧ કેસ નોંધાયા છે. જેમાં ૧૦૯ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જયારે ૬ મૃત્યુ થયા છે. હાલમાં કોરોના પોઝીટીવ ૩૬ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

(2:49 pm IST)