Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

સ્કોટલેન્ડનાં ગ્લાસગોમાં શખ્શે ૩ જણાની ચાકુ મારીને કરી હત્યાઃ હુમલાખોર પણ ઠાર

ગ્લાસગો, તા.૨૭: બ્રિટનના રીડિંગ શહેર બાદ હવે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં એક શખસે ચાકૂથી હુમલો કર્યાના અહેવાલ મળી રહ્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટસ મુજબ હુમલામાં ૩ લોકોના મોત નીપજયા છે અને એક પોલીસકર્મી પણ ઘાયલ છે.

જાણવા મળ્યા મુજબ, આ શખસનું પણ પોલીસ ફાયરિંગમાં મોત થયું છે. ઘટના બાદ સ્કોટિશ સિટી સેન્ટરમાં લોકડાઉન જાહેર કરી દેવાયું છે.

વડાપ્રધાન બોરિસ જોનસને દ્યટના પર દુઃખ વ્યકત કરતા પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી છે. તેમણે ઈમરજન્સ સર્વિસનો પણ આભાર માન્યો છે.

ઘટના શહેરની વેસ્ટ જોર્જ સ્ટ્રીટની હોટલ પાર્ક ઈનમાં બની હોવાનું જણાવાઈ રહ્યું છે. પોલીસે સ્થાનિક સમય મુજબ લગભગ ૧ વાગ્યે તેને એક 'મોટી ઘટના' જણાવી હતી.

બ્રિટિશ મીડિયા રિપોર્ટસ મુજબ ઘટનાસ્થળના ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે, પોલીસનું સશસ્ત્ર યુનિટ ત્યાં પહોંચ્યું હતું. જણાવાઈ રહ્યું છે કે, હોટલને કોરોના વાયરસ મહામારી દરમિયાન શરણ લેવા માટે ખોલવામાં આવી હતી.

પોલીસે હાલ વધુ જાણકારી નથી આપી અને કહ્યું કે, સ્થિતિ નિયંત્રણમાં છે. સ્કોટિશ પોલીસ ફેડરેશને એ વાતની પુષ્ટિ કરી છે કે, એક પોલીસકર્મીને પણ ચાકૂ મારવામાં આવ્યું છે.

ડેલીમેલે હોટ્લમાં રહેતા એક શખસને ટાંકીને લખ્યું છે કે, એક શખસ રિસેપ્શન એરિયામાં આવ્યો અને બે લોકોને ચાકૂ મારી દીધું. એક અન્ય વ્યકિતએ જણાવ્યું કે, તેમની સામે ૪ લોકોને હોસ્પિટલ લઈ જવાયા.

આ પહેલા બ્રિટનના રીડિંગ શહેરમાં એક પાર્કમાં આવા જ હુમલાને એન્ટી-ટેરરિઝમ અધિકારીઓએ આતંકવાદી હુમલો જણાવ્યો હતો. આ હુમલાને લીબિયાના એક શખ્સે અંજામ આપ્યો હતો.

જેના પર સુરક્ષા એજન્સીઓ પહેલેથી નજર રાખી રહી હતી. તપાસ એજન્સીઓ મુજબ, આરોપી માનસિક પરેશાન હતો અને તે હિંસક વૃત્તિનો હતો. આ ઘટનામાં ૩ લોકોના મોત થયા હતા.

(1:05 pm IST)