Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

કેરળના કિશોરે પસ્તી અને ગુંદરથી બનાવેલું ટ્રેન-મોડલ જોઇને તમે પણ ખુશ થઇ જશો

કોચી,તા.૨૭ : નવરાશના સમયનો સદુપયોગ કરવો હોય પણ સાધનો ન મળે તો શું કરવું? એવો સવાલ લોકડાઉનમાં ઘણા બધા લોકો પૂછે છે, પરંતુ જેની ભીતર કલાકાર હોય તે ક્રીએટિવ દિમાગનો ઉપયોગ કરીને ઘણું બધું કરી શકે એ કેરળના ત્રિચુરમાં રહેતા ૧૨ વર્ષના છોકરાએ સાબિત કર્યું છે. લોકડાઉનમાં ન્યુઝપેપર્સ અને મેગેઝિન્સની રદ્દી લેનારા પણ આવતા ન હોય અને રદ્દીનો ખડકલો થયો હોય એનો સદુપયોગ કરવાના વિચારો ભાગ્યે જ કોઈકને આવ્યા હશે. અદ્વૈત ક્રિષ્ના નામના એક છોકરાએ ઘરમાં પડેલાં જૂનાં ન્યુઝપેપર્સમાંથી  A4 સાઇઝના ૩૩ ટુકડા કર્યા અને એ બધાને યોગ્ય રીતે ગૂંદરથી જોડીને એમાંથી ટ્રેનનું મોડલ બનાવ્યું હતું. હસ્તકળા-ચિત્રકળાના એ અદભૂત નમૂનાને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ઘણી પ્રશંસા પ્રાપ્ત થઈ છે. રદી કાગળ અને ગૂંદર વડે ટ્રેનની પ્રતિકૃતિ બનાવવામાં અદ્વૈત ક્રિષ્નાને ત્રણ દિવસ લાગ્યા હતા. ટિવટર પર ૩૨.૨ હજાર વ્યુઝ, ઢગલાબંધ લાઇકસ અને કમેન્ટ્સ મેળવનાર વિડિયો- કિલપમાં અદ્વૈત ટ્રેનના જુદા-જુદા ભાગ બનાવીને એ બધાને અસેમ્બલ કરતો જોવા મળે છે. અદ્વૈત ત્રિચુર પાસે ચેરપુની સ્કૂલનો વિદ્યાર્થી છે.

(11:02 am IST)