Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

૧૯૯૩ મુંબઇ બોમ્બ-બ્લાસ્ટના ગુનેગાર યુસુફ મેમણનું હાર્ટ-અટેક આવતાં મૃત્યુ

મુખ્ય સૂત્રધાર ટાઇગર મેમણના ભાઇએ પોતાનાં ફલેટ અને ગેરેજ આતંકવાદી : કૃત્યને અંજામ આપવા માટે આપ્યાં હતાં, નાશિકની જેલમાં આવ્યો હાર્ટ-અટેક

નાશિક તા. ર૭ :  કરતાં વધુ લોકોનો ભોગ લેનાર અને ૭૭૦ ને ઇજાગ્રસ્ત કરનાર ૧ર માર્ચ, ૧૯૯૩ ના મુંબઇમાં થયેલા સિરિયલ બોમ્બ-બ્લાસ્ટ કેસના ગુનેગાર અને સૂત્રધાર ટાઇગર મેમણના પ૩ વર્ષના ભાઇ યુસુફ રઝાક મેમણનું નાશિક જેલમાં શુક્રવારે સવારે હૃદયરોગનો હુમલો આવતાં મોત થયું હતું. તેના મૃતદેહને જેલ ઓથોરિટીએ ધુળે પોસ્ટમોર્ટમ માટે મોકલાવ્યો હતો. બોમ્બ-બ્લાસ્ટ કેસમાં ટાડા કોર્ટે તેને આજીવન કારવાસની સજા આપી હતી. યુસુફને પહેલાં મુંબઇની આર્થર રોડ જેલમાં રખાયો હતો. ત્યારબાદ ઔરંગાબાદ જેલમાં શિફટ કરાયો હતો અને છેલ્લા બે વર્ષથી તે નાશિક જેલમાં હતો.

શુક્રવારે સવારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડતા તેને તરત જ પોલીસ સંરક્ષણ હેઠળ જિલ્લા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો ત્યાં સારવાર કરતી વખતે તેનું મૃત્યુ થયું હોવાનું ડોકટરે જણાવ્યું હતું એમ જેલ સુપરિન્ટેન્ડન્ટ પ્રમોદ વાઘે કહ્યું હતું. અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે ટાઇગર મેમણે સિરિયલ બોમ્બ-બ્લાસ્ટનું કાવતરૃં ઘડી કાઢયું હતું. યુસુફ મેમણે તેના અલ હુસેની બિલ્ડિંગમાંના ફલેટ અને ગેરેજ બન્ને એ આતંકી કૃત્યને અંજામ આપવા વાપરવામાં આપ્યાં હતાં. ટાઇગર અને યુસુફના ભાઇ યાકુબ મેમણને આ પહેલાં આ કેસમાં ફાંસીની સજા અપાઇ હતી. ર૦૧પમાં તેને નાગપુર જેલમાં ફાંસી અપાઇ હતી. નાશિકમાં તેને જ કોટડીમાં રાખવામાં આવ્યો હતો એની બાજુની જ કોટડીમાં તેના ભાઇ ઇસાકને રાખવામાં આવ્યો છે. નાશિક જેલમાં સુપરિન્ટેન્ડન્ટ પ્રમોદ વાઘે કહ્યું હતું કે યુસુફ સ્વસ્થ હતો. આ પહેલાં તેણે કોઇ બીમારીની ફરિયાદ કરી નહોતી. આજે સવારે અચાનક જ તેને તકલીફ થવા માંડતાં અમે તેને હોસ્પીટલમાં સારવાર માટે લઇ ગયા હતા.

(11:00 am IST)