Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

લોકડાઉનની સાઈડ ઈફેકટઃ લોકો સતત જાડા થવા લાગ્યાઃ પુરૂષોની સરખામણીમાં મહિલાઓ વધુ સ્થુળ બનીઃ અભ્યાસ

લોકડાઉનમાં લોકોએ સતત ખા-ખા કર્યુઃ ઘરમાં રહેવાને કારણે કસરત ન કરીઃ ૭૫ ટકા લોકોનું વજન ૦.૪થી ૪ કિલો સુધી વધ્યું

નવી દિલ્હી, તા. ૨૭ :. દુનિયાભરમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાય રહ્યો છે. સમગ્ર વિશ્વમાં ૯૦ લાખથી વધુ લોકો તેનો શિકાર બન્યા છે. વાયરસને રોકવા માટે દુનિયાભરના ડોકટરો અને સંશોધકો વેકસીનની શોધમાં લાગ્યા છે, પરંતુ હજુ સુધી તેઓને સફળતા મળી નથી. આપણે મહામારીના બીજા ચરણમાં પ્રવેશ કરી ચૂકયા છે જે ઘણુ ચિંતાજનક છે. કોરોના વાયરસના વધતા સ્તર અંગે આપણે રોજ વાંચીએ છીએ પરંતુ હાલમાં જ કોરોના વાયરસ લોકડાઉનને કારણે એક બીજી સાઈડ ઈફેકટ સામે આવી છે. લોકડાઉનને કારણે લોકોમાં સ્થુળતા ઝડપથી વધી છે અર્થાત લોકોનું વજન સતત વધવા લાગ્યુ છે.

એક પોલ અનુસાર લોકડાઉનમાં લાગેલા પ્રતિબંધને કારણે અમેરિકનોમાં મોટાપાયે સ્થુળતા વધી ગઈ છે. લોકો પોતાના ઘરોમાં બંધ રહ્યા અને તેના કારણે તેઓની રૂટીન પ્રવૃતિ અટકી ગઈ હતી. જેને કારણે લોકોનું વજન વધવા લાગ્યુ છે. અભ્યાસમાં એવુ પણ જણાયુ છે કે ૨૨ ટકા પુરૂષો તો ૪૭ ટકા મહિલાઓનુ વજન વધ્યુ છે.

પોલમાં પૂછાયુ તો ૬૦ ટકા લોકોએ વધતા ટેન્શન અને ખરાબ લાઈફ સ્ટાઈલ સ્થુળતા માટે જવાબદાર ઠેરવી હતી. ૨૧ ટકા લોકોએ કહ્યુ હતુ કે લોકડાઉન દરમિયાન વધુ દારૂ પીવાથી તેઓની વજન વધ્યુ છે.

લોકડાઉન દરમિયાન મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે તેવામાં તેઓ ટેન્શન દૂર કરવા અને મૂડને રીફ્રેશ કરવા માટે મોટાભાગે પેકેટ બંધ ફુડ ખાઈ રહ્યા છે. ઘરોમાં પુરાઈ રહેવાના કારણે તેઓ નથી કસરત પર ધ્યાન નથી આપી શકતા કે નથી સ્વચ્છ ભોજન પર નથી ધ્યાન આપી શકતા. આ જ કારણે તેઓનું વજન વધી રહ્યુ છે.

અભ્યાસ અનુસાર લોકડાઉન દરમિયાન ૭૫ ટકા લોકોનું વજન ૦.૪થી ૪ કિલો સુધી વધ્યુ છે. જ્યારે ૨૧ ટકા લોકોનું વજન ૫ થી ૮ કિલો વધ્યુ છે. આ સિવાય ૪ ટકા લોકોનું કહેવુ છે કે કોરન્ટાઈન પિરીયડ દરમિયાન તેઓનું વજન ૧૦ કિલો વધ્યુ છે.

આ પ્રકારે સમગ્ર વિશ્વમાં લોકડાઉનને કારણે લોકોમાં સ્થુળતાની સમસ્યા વધી રહી છે. આનાથી બચવા માટે લાઈફ સ્ટાઈલ સુધારવી જરૂરી છે.

(10:58 am IST)