Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

હવે શ્રમિકોની ફરી કામ પર વાપસી

યુપી-બિહારથી મુંબઇ જતી ટ્રેનો હાઉસફુલ

નવી દિલ્હી, તા.૨૭: કોવિડ-૧૯ના કારણે દેશ વ્યાપી લોકડાઉનમાં પોતાના ઘરે જનાર પ્રવાસી શ્રમિકો હવે પાછા શહેરો તરફ જવા લાગ્યા છે. રેલ બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે કહ્યું કે ઉત્તરપ્રદેશ બિહાર અને પશ્ચિમ બંગાળથી મુંબઇ અને ગુજરાતની ટ્રેનોમાં ભીડ થઇ રહી છે, જે શ્રમિકોના પાછા ફરવાનો સંકેત છે.

યાદવે કહ્યું કે રેલ્વે અત્યાર રેગ્યુલર ટ્રેન સેવા ચાલુ નહીં કરે પણ હાલની ખાસ ટ્રેનોની સંખ્યા વધારવામાં આવશે. જોકે તે વિભીન્ન રાજયોમાં કોરોનાની પરિસ્થિતી અને રાજયોની માંગણી પણ આધાર રાખશે. મુંબઇ, દિલ્હી અને ગુજરાત છોડીને પોતાના ગામ પાછા ગયેલા પ્રવાસી મજૂરો અને કામદારો ફરીથી પોતાના કામ પર પાછા ફરી રહ્યા છે. યાદવે કહ્યું કે સ્પેશ્યલ ટ્રેનોમાં રીટર્નમાં પણ હવે યાત્રિકોની સંખ્યા વધવા લાગી છે. ઉત્તર પ્રદેશથી ગુજરાત અને મુંબઇ તથા બિહારથી ગુજરાત અને મુંબઇ ઉપરાંત પશ્ચિમ બંગાળથી મુંબઇ જતી ટ્રેનોમાં સતત મુસાફરો વધી રહ્યા છે.

તેમની વાપસીથી ભારતીય રેલ્વે પણ ખુશ છે કેમ કે સ્પેશ્યલ ટ્રેનો દિલ્હી અને મુંબઇથી ફુલ જાય છે પણ રીટર્ન ટ્રેનો મોટા ભાગની ખાલી આવી રહી છે. રેલ્વે બોર્ડના અધ્યક્ષ અનુસાર આ ભારતીય રેલ્વે અને દેશની અર્થવ્યવસ્થા માટે પણ એક સારો  સંકેત ગણાય.

રેલ્વે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે વીડીયો કોન્ફરન્સીંગ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બહુ જલ્દી વધુ સ્પેશ્યલ ટ્રેનો ચાલવાની શકયતા છે. આના માટે રાજય સરકારો સાથે વાતચીત સંક્રમણની પરિસ્થિતી જોઇને નિર્ણય લેવામાં આવશે.

(10:57 am IST)