Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

કોરોનાની અસર

રક્ષાબંધન - દશેરા - દિવાળીની રોનક જોવા નહિ મળે

મહામારીએ ધંધા ભાંગી નાખ્યા : ચીન સાથેના ડખ્ખાની અસર પણ રહેશે

નવી દિલ્હી તા. ૨૭ : અઢી મહીના સુધી ધંધાને ઠપ કરી દેનાર કોરોના વાયરસની અસર આ વર્ષે તહેવારી ધંધાઓ પર પણ પડી શકે છે. રક્ષાબંધન, દશેરા, દિવાળી જેવા મોટા તહેવારો માટે સોદાઓ એપ્રિલથી જ થવા લાગે છે. પણ આ વખતે લોકડાઉનના કારણે સોદાઓ નથી થયા. કોરોનાના વધતા કેસ અને આર્થિક મંદી વચ્ચે વેચાણ નબળુ રહેવાના ભયથી હવે વેપારીઓ સોદા કરવા માટે ઇચ્છુક પણ નથી દેખાતા. બીજું જોખમ ચીન સાથે બોર્ડર પર થયેલ અથડામણના કારણે છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે તહેવારો પર ચીની માલની અછત રહેશે અને તેમનો ધંધો પણ મંદો રહેશે.

 

ચીનથી તહેવારો માટે રાખડી, ગીફટ, ભગવાનની મૂર્તિઓ, લડી, ઝાલર, દિવાથી માંડીને કટલેરીનો સામાન, ગુબ્બારા, પિચકારી સુધીનું ઘણું બધું આયાત કરવામાં આવે છે. વેપારીઓનું કહેવું છે કે દેશમાં તહેવારો પર ૬ થી ૮ લાખ કરોડ રૂપિયા સુધીનો ધંધો થાય છે. જેમાં ચીની સામાનનો હિસ્સો ઓછામાં ઓછો ૧૫ થી ૨૦ હજાર કરોડનો છે. તેમાં ૫ - ૬ હજાર કરોડ રૂપિયા લાઇટીંગ અને ડેકોરેશનનો સામાન, ૩ થી ૩ાા હજાર કરોડ રૂપિયાનો હોળીનો સામાન, બે થી અઢી હજાર કરોડ રૂપિયાની મૂર્તિઓ અને ૧૦૦૦થી ૧૨૦૦ કરોડ રૂપિયા રાખડીના ધંધામાં મળે છે. પણ આ વખતે ચીત્ર કંઇક અલગ છે.

કોરોના વાયરસ અને સરહદ પર તંગદિલીનો ઘા દિલ્હીના વેપારીઓ સૌથી વધારે ખમવો પડશે કેમકે અહીંની બજારોમાંથી દેશભરમાં તહેવારના માલનો સપ્લાય કરવામાં આવે છે. સદર બજારમાં રાખડીના વેપારી વિમલ જૈને જણાવ્યું કે, રક્ષાબંધન ઓગસ્ટમાં આવે છે પણ તૈયારીઓ એપ્રિલથી શરૂ થઇ જાય છે અને જૂન સુધીમાં ઘણા સોદાઓ થઇ જાય છે. પણ આ વખતે લોકડાઉનના કારણે તૈયારીઓ જ શરૂ નથી થઇ. બજાર પણ લગભગ બંધ છે જેના કારણે જૈનને લાગે છે કે આ વખતે રાખડીનો ધંધો સૌથી ખરાબ રહેવાનો છે.

(10:27 am IST)