Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

કલર બ્લાઇન્ડની તકલીફના કારણે ડ્રાઇવીંગ લાયસન્સ ન મેળવી શકનાર લોકો માટે સારા સમાચાર

હવે મેડીકલ ટેસ્ટમાં નહીં કરાય ફેલ

નવી દિલ્હી તા. ૨૭ : કલર બ્લાઇન્ડ નેસના કારણે ડ્રાઇવીંગ લાયસન્સ ન મેળવી શકનાર લોકો માટે હવે એક સારા સમાચાર છે. સરકારે હળવી અને મધ્યમ તકલીફના દર્દીઓને ડ્રાઇવીંગ લાયસન્સ આપવાની મંજૂરી આપી દીધી છે. આવા લોકો આરટીઓમાં જઇને ડ્રાઇવીંગ લાયસન્સ મેળવી શકશે. જેમને હવે મેડીકલ ટેસ્ટમાં ફેલ નહીં કરવામાં આવે.

રોડ પરિવહન અને નેશનલ હાઇવે મંત્રાલયે ગુરૂવારે અંતિમ અધિસૂચના બહાર પાડી દીધી છે. આ સાથે જ નવો કાયદો દેશભરમાં અમલી કરી દેવાયો છે. મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, આંખની તકલીફવાળા લોકોને લાયસન્સ આપવાની પરવાનગી આપવા અંગેના કાયદા અંગે ગયા મહિને એઇમ્સના આંખોની નિષ્ણાંત પેનલ પાસે સૂચનો માંગવામાં આવ્યા હતા. પેનલે આંતરરાષ્ટ્રીય અભ્યાસો અને વિભાગના અનુભવના આધારે હળવા અને મધ્યમ દ્રષ્ટિદોષ ધરાવતા લોકોને લાયસન્સ આપવાની ભલામણ કરી હતી.

ડોકટરોની પેનલે સૂચનમાં કહ્યું કે, કુદરતી પ્રકાશમાં આવી વ્યકિત ટ્રાફિક સીગ્નલ પર લાલ અને લીલા રંગને ઓળખી શકે છે. જ્યારે ગંભીર અથવા પૂર્ણપણે રંગ દ્રષ્ટિ દોષથી પીડાતા લોકો માટે તે શકય નથી. આરટીઓમાં મેડીકલ ટેસ્ટના ફોર્મ ૧ અને ૧એ માં હળવા અથવા મધ્યમ રંગ દ્રષ્ટિ દોષનો ઉલ્લેખ કરવો પડશે. તેમને ટેસ્ટમાં ફેલ નહી કરવામાં આવે.

(10:26 am IST)