Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ચોંકાવનારો અભ્યાસ

ગ્રામિણ ભારતમાં દર ૩માંથી ૨ 'ડોકટરો' પાસે નથી કોઈ ઔપચારિક મેડિકલ ડીગ્રી

નવી દિલ્હી, તા. ૨૭ :. ગ્રામીણ ભારતમાં ત્રણમાંથી બે ડોકટરો પાસે મેડીકલ સાથે સંકળાયેલી કોઈ ડીગ્રી નથી આવુ એક અભ્યાસમાં જાહેર થયું છે. જ્યારે ૭૫ ટકા ગામડાઓમાં ઓછામાં ઓછો એક હેલ્થ પ્રોવાઈડર છે અને એક ગામમાં સરેરાશ ત્રણ પ્રાથમિક હેલ્થ કેર પ્રોવાઈડર છે. તેમાંથી ૮૬ ટકા ખાનગી ડોકટરો છે અને ૬૮ ટકા પાસે કોઈ ઔપચારિક મેડીકલ ટ્રેનીંગ નથી. સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (સીપીઆર) દ્વારા કરાયેલ અભ્યાસમાં ૧૯ રાજ્યોના ૧૫૧૯ ગામડાઓને સામેલ કરાયા હતા. આ અભ્યાસ સોશ્યલ સાયન્સ એન્ડ મેડીકલ જર્નલમાં પ્રકાશિત થયો છે.

આ અભ્યાસથી વિશ્વ આરોગ્ય સંસ્થાના ૨૦૧૬માં આવેલ રિપોર્ટ 'ધ હેલ્થ કેર વર્કફોર્સ ઈન ઈન્ડીયા'ને પણ બળ મળે છે જેમાં કહેવાયું હતુ કે ભારતમાં ગામડાઓમાં કામ કરતા ૫૭.૩ ટકા ડોકટરો પાસે કોઈ મેડીકલ કવોલીફીકેશન નથી. આ ઉપરાંત તેમાંથી ૩૧.૪ ટકા લોકોએ તો માધ્યમિક શિક્ષણ સુધીનો જ અભ્યાસ કરેલ છે. સીપીઆરના અભ્યાસમાં એ પણ જાહેર થયું છે કે બિહાર અને ઉત્તર પ્રદેશમાં પ્રશિક્ષિત ડોકટરોની સરખામણીમાં તમિલનાડુ અને કર્ણાટકમાં લેભાગુ ડોકટરોનું મેડીકલ જ્ઞાન વધારે છે.

(10:25 am IST)