Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ભારતે ચીનને બતાવી તાકાત : લદ્દાખમાં LAC પર જંગી યુદ્ધઅભ્યાસ

એલએસી નજીક ૧૧,૦૦૦થી ૧૬,૦૦૦ ફૂટની ઊંચાઇએ યુદ્ધઅભ્યાસ કરીને ચીનની ધમકીઓ સામે બાંયો ચડાવી

 

નવી દિલ્હી : ભારતે લદ્દાખમાં એલએસી નજીક ૧૧,૦૦૦થી ૧૬,૦૦૦ ફૂટની ઊંચાઇએ યુદ્ધઅભ્યાસ કરીને ચીનની ધમકીઓ સામે બાંયો ચડાવી હતી. ગાલવાન વેલી સહિતના સ્થળોએ ભારત સામે સૈનિક જમાવડો કરી લાલ આંખ બતાવવાનો પ્રયાસ કરનાર ચીની સેનાને સ્પષ્ટ સંદેશો આપતાં લેહ નજીક એલએસી ખાતે ભારતીય સેના અને ઇન્ડિયન એરફોર્સે સંયુક્ત યુદ્ધઅભ્યાસ કર્યો હતો. તેનો હેતુ ભારતીય સેના અને ઇન્ડિયન એરફોર્સ વચ્ચે તાલમેલ વધારવાનો હતો.

  યુદ્ધઅભ્યાસમાં સુખોઇ ફાઇટર જેટ, ચિનૂક હેલિકોપ્ટર, એમઆઇ-૧૭ હેલિકોપ્ટર, હરક્યૂલિસ સહિતના વિમાનો પણ જોડાયાં હતાં. ભારતીય સેનાના સૈનિકો, માલસામાન અને શસ્ત્રસરંજામનું ઝડપથી પરિવહન કરવા સહિતની પ્રવૃત્તિ યુદ્ધઅભ્યાસમાં કરાઇ હતી. અભ્યાસ દરમિયાન સુખોઇ ૩૦ વિમાનો દ્વારા આકાશમાં સુરક્ષા ઘેરો તૈયાર કરાયો હતો. ત્યારબાદ સેનાના માલવાહક વિમાનોએ શસ્ત્રસરંજામ, તોપ, સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચાડવાનું કોઓર્ડિનેશન ઓપરેશન હાથ ધર્યું હતું.

ચીન ખાતેના ભારતીય રાજદૂત વિક્રમ મિસરીએ શુક્રવારે જણાવ્યું હતું કે, ચીન એલએસી પર નવા સ્ટ્રક્ચર બનાવવાનું બંધ કરે તો ભારત અને ચીન વચ્ચેના વિવાદનો ઉકેલ આવી શકે છે. ચીને ઘૂસણખોરી બંધ કરીને એલએસીની ભારત તરફની બાજુએ નવા સ્ટ્રક્ચર બનાવવાનું બંધ કરી દેવું જોઇએ. ગાલવાન વેલી પર ચીનનો દાવો તદ્દન અસ્વીકાર્ય છે. પ્રકારના દાવા તણાવ ઘટાડવામાં મદદ કરશે નહીં. ભારત હંમેશા એલએસીની પોતાની બાજુ પર પ્રવૃત્તિઓ કરતો રહ્યો છે. ચીની સેનાની પ્રવૃત્તિઓએ દ્વિપક્ષીય સંબંધોને ઘણું નુકસાન પહોંચાડયું છે. ભારતે ચીન પર આરોપ મૂક્યો છે કે, શી જિનપિંગે પૂર્વ લદ્દાખમાં આક્રમક વલણ અપનાવીને ૧૯૯૩માં કરાયેલી શાંતિ સમજૂતીના લીરેલીરા ઉડાડી દીધા છે.

(1:02 am IST)