Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

દિલ્હીમાં બે વર્ષમાં પહેલીવાર પેટ્રોલ ૮૦ રૂપિયા પ્રતિ લિટર

સરકારનો વધુ એક અનોખો રેકોર્ડ : ૭મી જૂનથી પેટ્રોલ ૮.૮૭, ડીઝલના ભાવમાં ૧૦.૮૦ રુપિયા પ્રતિ લીટરનો વધારો ઝીંકાયો : ઠેર ઠેર વિરોધ

નવી દિલ્હી, તા. ૨૬દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ બે વર્ષમાં પહેલીવાર ૮૦ રુપિયા પ્રતિ લિટરથી ઉપર પહોંચી ગયા છે. પેટ્રોલિયમ વિતરણ કંપનીઓએ શુક્રવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કર્યો છે. પેટ્રોલિયમ વિતરણ કંપનીઓની કિંમતોને લઈને જાહેર કરાયેલાં નિવેદનમાં કહેવાયું છે કે પેટ્રોલની કિંમતોમાં ૨૧ પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો છે અને ડીઝલના ભાવમાં ૧૭ પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો છે. દિલ્હીમાં હવે પેટ્રોલના ભાવ ૭૯.૯૨ રુપિયા પ્રતિ લિટરથી વધીને ૮૦.૧૩ રુપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.

             જ્યારે ડીઝલની કિંમતો ૮૦.૦૨ રુપિયા પ્રતિ લીટરથી વધીને ૮૦.૧૯ રુપિયા થઈ ગઈ છે. વાહન ઇંધણના ભાવ દેશભરમાં વધી ગયા છે. પરંતુ સ્થાનિક વેચાણ કર અર્થાત વેટના કારણે વિવિધ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ ૮૬.૯૧ રુપિયા પ્રતિ લીટર અને ડીઝલના ૭૮.૫૧ રુપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત બે વર્ષમાં પહેલીવાર ૮૦ રુપિયા પ્રતિ લીટરથી ઉપર પહોંચી છે. જ્યારે ડીઝલના ભાવ પોતાના સમયમાં સૌથી ઉચ્ચસ્તર પહોંચી ગયા છેસપ્ટેમ્બર ૨૦૧૮માં પેટ્રોલના ભાવ વધીને ૮૦ રુપિયા પ્રતિ લીટર થઈ ગયા હતા. શુક્રવારે ડીઝલની કિંમતોમાં સતત ૨૦મા દિવસે વધારો થયો છે. જ્યારે ત્રણ સપ્તાહથી ઓછા સમયમાં પેટ્રોલના ભાવ ૧૯ વાર વધ્યા છે.

            ૭મી જૂનથી પેટ્રોલ .૮૭ રુપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે. જ્યારે સમયગાળામાં ડીઝલના ભાવમાં ૧૦.૮૦ રુપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છેકે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને કોંગ્રેસ સતત કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કરી રહી છે. કોંગ્રેસે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે ભાજપનું ધ્યાન ફક્ત લાભ કમાવવા તરફ છે. કોંગ્રેસે એક તસવીર શેર કરીને કહ્યું કે વર્ષ ૨૦૧૪ પછી પેટ્રોલ પર ઉત્પાદન ટેક્સમાં ૨૫૮ ટકા અને ડીઝલના ભાવમાં ૮૨૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

(12:00 am IST)