Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

અસામમાં પૂરની પરિસ્થિતિ ખુબ જ ગંભીર, ૧૩નાં મોત

કોરોનાના માર બાદ વરસાદી પૂરથી હાહાકાર : ૧.૮ લાખ લોકો પ્રભાવિત થયા : આસામના ૯ જિલ્લામાં ૪૯૨ ગામના લોકો ભારે પૂરથી મુશ્કેલીમાં મૂકાઈ ગયા

ગુવાહાટી, તા. ૨૬અસામમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ છે. રાજ્યના ચાર વધુ જિલ્લામાં પૂરના પાણી ફરી વળ્યાં છે. અત્યાર સુધીમાં પૂરના કારણે ૧૩ મોત થયાં છે. અસામના નવ જિલ્લામાં .૮૯ લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે પ્રભાવિત જિલ્લાના અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે પૂર પ્રભાવિત ક્ષેત્રોમાં લોકો સુધી જલદી પહોંચો અને બચાર તથા રાહત કાર્ય દરમિયાન કોવિડ-૧૯ના સુરક્ષા નિયમોનું પાલન કરો. અસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પોતાના દૈનિક બુલેટિનમાં જણાવ્યું છે કે સૌથી વધુ પ્રભાવિત ધીમાજી જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અહીંયા ૯૧૦૦૦ લોકો પ્રભાવિત થયા છે. બુધવારના રોજ ધીમાજી, જોરહટ, માજુલી, શિવસાગર અને દિબ્રુગઢ જિલ્લામાં પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા વધીને ૩૮૦૦૦ હતી,

            ગુરુવાર સુધી લખીમપુર, વિશ્વનાથ, ગોલાઘાટ અને તિનસુકિયા જિલ્લામાં પુર આવી ગયું જેનાથી પ્રભાવિત લોકોની સંખ્યા વધીને .૮૯ લાખ થઈ ગઈ છે. તમામ જિલ્લામાં કુલ ૪૯૨ ગામ પૂરથી પ્રભાવિત છે. જિલ્લાઓમાં ૧૧૫૦૦ લોકો માટે ૪૯ રાહત શિબિરો શરુ કરવામાં આવી છે. અસામ સરકારના કહેવા અનુસાર તિનસુકિયા અને દિબ્રુગઢ જિલ્લા પણ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. પૂરના કારણે રોડ અને અન્ય પ્રાથમિક સુવિધાના માળખાને નુકસાન પહોંચ્યુ છે. વિવિધ સ્થાનો પર મોટા પ્રમાણમાં રોડ તૂટી ગયા છે. તેમજ ૧૯૪૩૦ હેક્ટર ખતીના ઊભા પાક પાણીમાં ડૂબી ગયા છે. જોરહાટ જિલ્લાના નીમાતી ઘાટમાં, ધુબ્રી જિલ્લાના ધુબ્રી શહેરમાં અને સોનીતપુર જિલ્લાના તેજપુરમાં બ્રહ્મપુત્ર નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. મુખ્યમંત્રીએ વીજળીનો પુરવઠો ખોરવાય નહીં માટે અધિકારીઓને તાકીદ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારે વરસાદ દરમિયાન વીજળી પડવાથી બિહારમાં ઓછામાં ઓછા ૮૩ અને ઉત્તરપ્રદેશમાં ૨૪ લોકોના મોત થયા હતા.

(12:00 am IST)